કેટલાક દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે ગૂગલ પર ઇડીયટ શબ્દને સર્ચ કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ફોટો આવતો હતો. આ મામલે અમેરિકાની સાંસદે કંપનીના સીઈઓ સુંદર પિચાઈને આ મામલે જવાબ માંગ્યો હતો.
તમને જાણીને નવાઈ લાગશે કે આવો જ એક મામલો પાકિસ્તાનમાં પણ સામે આવ્યો છે. ગૂગલ પર ભિખારી શબ્દ સર્ચ કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો ફોટો બતાવે છે.
આ મામલે પંજાબ પ્રાંતની વિધાનસભામાં એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જેમાં ગૂગલના સીઈઓને પૂછવાનું જણાવ્યું છે કે સર્ચ એન્જીન પર ભિખારી શબ્દ સર્ચ કરતા ઇમરાન ખાનના ફોટા શા માટે આવે છે ?
પાકિસ્તાનની એક મહિલા પત્રકારે આ પ્રસ્તાવને સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગૂગલના સીઈઓ સુંદર અમેરિકાની સાંસદમાં હાજર થયા હતા. જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે ઇડીયટ શબ્દ ગૂગલમાં સર્ચ કરતા ટ્રમ્પનો ફોટો શા માટે આવે છે ?
આ પ્રશ્નનો જવાબ આપતા સીઈઓએ કહ્યું હતું કે ગૂગલ સર્ચ એન્જીન એલ્ગોરીધમ અને રીઝલ્ટ આપવા મામલે ઘણા ફેક્ટર પર કામ કરે છે. ત્યારબાદ તે શબ્દને મળતા આવતા ટોપિક અને પોપ્યુલારીટીનું વિશ્લેષણ કરીને બેસ્ટ રીઝલ્ટ આપે છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન હાલ આર્થિક સંકટોથી પસાર થઇ રહ્યું છે. અર્થવ્યવસ્થાને સરખી કરવા માટે પાકિસ્તાન લોન લેવાના પ્રયત્નો કરી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી આ બાબતને લઈને ઇમરાન ખાન ઘણા દેશની મુલાકાત પણ લઇ આવ્યા છે જેને કારણે સોશ્યલ મીડિયામાં તેમના ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા છે.