પાટડી તાલુકાના દેગામના લોકો રાજાશાહી વખતથી ફાળવવામાં આવેલા કાયદેસરના વાડાઓ અંગે આકરા પાણીએ થયા છે. જે અંતર્ગત દેગામના 36થી વધુ લોકોએ પાટડી તાલુકા સેવા સદન ખાતે હલ્લાબોલ સાથે પ્રાંત કલેક્ટરને લેખિત આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. આ માંગણી સ્વિકારવામાં નહીં આવે તો દેગામના 36 જેટલા અરજદારોએ પાટડી પ્રાંત કલેક્ટર સમક્ષ આત્મ વિલોપનની લેખિત ચિમકી ઉચ્ચારતા તંત્રમાં ભર શિયાળે દોડધામ મચી જવા પામી હતી.
પાટડી તાલુકાના દેગામમાં આવેલી સીમ ખાતા નંબર 600ના નવીન સર્વે નંબર 1284 ( જૂનો સર્વે નંબર 892/23 )ની સીમ જમીન દેગામ ગામના 36 જેટલા લોકોને રાજાશાહી વખતથી વાડાઓ ફાળવવામાં આવ્યા હતા ત્યારથી આજ દિન સુધી એમના કબ્જા ભોગવટામાં છે. જે વાડાઓ નાયબ કલેક્ટર, ધ્રાંગધ્રાના હુકમ નંબર 9/83, તા. 5/1/1984ના રોજ સદર જમીન ગામતળ વધતા દેગામ ગ્રામ પંચાયતને સોંપતો હુકમ કરવામાં આવેલો છે.
જે હુકમ સામે દેગામના અરજદારો સુરેન્દ્રનગર કલેક્ટરમાં રિવીઝન કેસ દાખલ કર્યો હતો. જેમાં કલેક્ટર, સુરેન્દ્રનગર રિવીઝન કેસ નંબર 2/19-20થી કેસ ચાલ્યો હતો. જેમાં દેગામના અરજદારોને રાજાશાહી વખતના વાડાઓ ફાળવવા અંગેનો તા. 10/06/2019ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો. જેને પણ આશરે 3 વર્ષ જેટલો સમય વિતવા છતાં પણ દેગામ ગ્રામ પંચાયતે અરજદારોને વાડાઓ ફાળવ્યા નહોતા. જે અંગે દેગામના અરજદારો દ્વારા દેગામ ગ્રામ પંચાયતને તેમજ પાટડી મામલતદારને અનેકો વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કાયદેસરના વાડાઓ ફાળવવામાં આવ્યા નહોતા.
વધુમાં પાટડી મામલતદારના જવાબદાર અધિકારી તા. 19/02/2022ના રોજ અરજદારોના કબ્જાના વાડાઓ ખાલી કરાવવા માટે આવ્યા હતા.આથી રાજાશાહી વખતથી ફાળવવામાં આવેલા વાડાઓ અરજદારોને ફાળવવામાં આવે એવી માંગણી સાથે સરકારી ધારા ધોરણ મુજબ સરકારમાં ભરવાની થતી રકમ ભરવા અરજદારોએ તૈયારી બતાવવાની સાથે દેગામના 40થી વધુ લોકોએ પાટડી તાલુકા સેવા સદન ખાતે હલ્લાબોલ સાથે પ્રાંત કલેક્ટરને લેખિત આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ આ માંગણી સ્વિકારવામાં નહીં આવે તો દેગામના 36 જેટલા અરજદારોએ પાટડી પ્રાંત કલેક્ટર સમક્ષ આત્મ વિલોપનની લેખિત ચિમકી ઉચ્ચારતા તંત્રમાં ભર શિયાળે દોડધામ મચી જવા પામી હતી.