બંગાળની ખાડીમાં ‘ચક્રવાત વાવાઝોડું’ ને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. ઓડિશાના મુખ્ય સચિવ સુરેશચંદ્ર મહાપત્રાએ શુક્રવારે માહિતી આપી હતી કે ઓડિશાના તમામ દરિયાકાંઠા અને આજુબાજુના જિલ્લાઓને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ભારતીય હવામાન વિભાગે 26 મેના રોજ યાસ વાવાઝોડું ઓડિશા-પશ્ચિમ બંગાળના કિનારેથી પસાર થશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. આ કારણે ઓડિશા સરકારે 30 પૈકીના 14 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દીધું છે. રાજ્ય સરકારે શુક્રવારે ભારતીય નૌસેના અને ભારતીય તટ રક્ષક દળને સ્થિતિનો સામનો કરવા સજ્જ રહેવાનો આગ્રહ પણ કર્યો હતો.
આ પણ વાંચો :દેશમાં કોરોનાના રિકવરી કેસોમાં સાડા ત્રણ લાખનો વધારો
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે 22 મેના રોજ બંગાળની ખાડીના પૂર્વીય મધ્ય હિસ્સા પર એક ઓછા દબાણનું ક્ષેત્ર રચાશે જે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને 26 મેના રોજ ઓડિશા-પશ્ચિમ બંગાળના કિનારે અથડાઈ શકે છે.
મુખ્ય સચિવ મહાપત્રાએ જણાવ્યું હતું કે ‘શુક્રવારે તમામ લાઇન વિભાગ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડ, આઈએનએસ ચિલ્કા, ડીજી પોલીસ અને ડીજી ફાયર સર્વિસ સાથે બેઠક મળી હતી. મહાપત્રાએ કહ્યું, હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને, વીજ કંપનીઓ, ગ્રામીણ અને શહેરી પાણી પુરવઠા વિભાગ, આરોગ્ય વિભાગો, ઓડિશા ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને એનડીઆરએફ જેવા તમામ સંબંધિત વિભાગો માનવ શક્તિ અને આવશ્યક ચીજો સાથે તૈયાર થવા માટે ચેતવણી પર રાખેલ છે ‘.
આ પણ વાંચો :એર ઇન્ડિયાના 45 લાખ પ્રવાસીઓના જન્મ તારીખ, પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડનો ડેટા લીક
કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આંદામાન નિકોબાર દ્વીપસમૂહને સ્વાસ્થ્ય કેન્દ્રો પર આવશ્યક દવાઓ અને સંસાધનોનો ભંડાર સુનિશ્ચિત કરવા કહ્યું છે જેથી યાસ વાવાઝોડા દરમિયાન ઈમરજન્સીની સ્થિતિનો સામનો થઈ શકે.
વાવાઝોડાની અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં થશે તથા તે સિવાય આંદામાન નિકોબાર દ્વીપસમૂહ અને પૂર્વીય તટના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંત પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો :13 વર્ષના કિશોરને થયો મ્યુકોરમાયકોસીસ, કરાવી પડી સર્જરી