પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના કાંઠા વિસ્તારો પર વાવાઝોડા યાસનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન ખાતાએ આગામી કલાકોમાં આ તોફાન યાસ તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી આશંકા વ્યક્ત કરી છે. બુધવારે બપોરે આ તોફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠે ટકરાય તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં બનેલું આ તોફાન ઓડિશાથી એન્ટ્રી કરશે જેની અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને બિહાર સહિત 8 રાજ્યોમાં જોવા મળશે.
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે વાવાઝોડું બુધવારે સવારના સમયે ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા બંદરે અથડાઈ શકે છે. વાવઝોડું અથડાય તે પહેલા અને પછી આશરે 6 કલાક સુધી તેની અસર રહેશે.
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કોલકાતા હાઈકોર્ટે 26 અને 27 મેના રોજ સૂચિબદ્ધ કરાયેલી તમામ કેસની સુનાવણી રદ્દ કરી દીધી છે. આગામી દિવસોમાં સંબંધિત પીઠ દ્વારા આ મામલે સુનાવણી કરવામાં આવશે. બંને દિવસ કોર્ટ ન પહોંચે તે કર્મચારીઓને અનુપસ્થિત નહીં માનવામાં આવે.
આ પણ વાંચો :રાજકોટનો આ યુવક 5 મહિનાથી પીડાય રહ્યો છે બ્લેક ફંગસથી, 6 વખત કરાવી સર્જરી, હવે 7 મી તૈયારી
પશ્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની ચેતવણી બાદ બુધવાર સવારથી કોલકાતા એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાવાઝોડાના કારણે કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ બુધવારે સવારે 8:30 કલાકથી રાતના 7:45 કલાક સુધી સસ્પેન્ડ રહેશે.
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ભીષણ વાવાઝોડું યાસ બુધવારે બપોરના સમય સુધીમાં 130-140 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા પવન સાથે ઓડિશાના કિનારે અથડાશે.
આ પણ વાંચો :તેજ પ્રતાપ યાદવે બાબા રામદેવને ફકીર ગેંગના નેતા ગણાવ્યા , ટ્વીટ કરીને તાક્યું નિશાન
પશ્ચિમ બંગાળમાં કરન્ટ લાગવાથી 2 લોકોના મોત
પ.બંગાળમાં વાવાઝોડા યાસના કારણે કેટલાક અકસ્માત પણ સર્જાયા છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના હાલિશહેરમાં 40 ઘર ક્ષતિગ્રસ્ત થયા છે. બીજી ઘટના ચિનસરાહમાં ઘટી છે. જ્યાં કેટલાક ઘરોને નુકસાન થયું છે. હુગલી જિલ્લાના પાંડુઆમાં કરન્ટ લાગવાથી 2 લોકોએ જીવ ગુમાવ્યા છે.
બંગાળમાં 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
ઓડિશાના ભુવનેશ્વરમાં રાહત પેકેટ તૈયાર થઈ રહ્યા છે. જ્યારે રિલિફ કેમ્પ સુધી સતત લોકોને પહોંચાડવામાં આવી રહ્યા છે. ભદ્રકમાં એનડીઆરએફએ મોરચો સંભાળેલો છે અને લોકોને વાવાઝોડાથી બચાવવાની દરેક શક્ય કોશિશ થઈ રહી છે. ઓડિશાની જેમ બંગાળમાં પણ લોકોને રિલિફ કેમ્પ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં 10 લાખ લોકોને સમુદ્ર કિનારાવાળી જગ્યાઓથી ખસેડીને 4000 જેટલા રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવ્યા છે. દોઢ લાખ લોકો તો પૂર્વ મેદિનીપુરમાં જ સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. અત્યાર સુધીમાં કુલ 14 જિલ્લાઓમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે.
આ પણ વાંચો :બિહારમાં પંજાબ તરફથી આવતી મીની બસની અથડામણ થી 2 ના મોત ,13 ઘાયલ
યાસ વાવાઝોડાની સૌથી વધુ અસર ઓડિશા, અને પશ્ચિમ બંગાળમાં જોવા મળશે. ઓડિશાના પુરી, જગતસિંહગપુર, ખુર્દા, કટક, ભદ્રક, બાલાસોર, ગંજમ અને મયૂરગંજમાં તોફાન વધુ ખતરનાક બની શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, હુગલી, મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, અને ઉત્તર 24 પરગણામાં તોફાન તબાહી મચાવી શકે છે. આ ઉપરાંત સમગ્ર પૂર્વ ભારતને અલર્ટ રાખવામાં આવ્યું છે. પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા ઉપરાંત ઝારખંડ અને બિહારમાં અસર પડવાની છે. જ્યારે દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશમાં તોફાન સૌથી વધુ નુકસાન કરી શકે છે. જ્યારે આંદમાન અને નિકોબારમાં પણ તોફાન તબાહી મચાવશે.