અકસ્માત/ 2022માં માત્ર હેલ્મેટ-સીટ બેલ્ટ ન પહેરવાથી 66,744 મોત; ટોટલ આંકડો ખુબ જ મોટો

વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાને કારણે 3395 લોકોના મોત થયા છે

India
અકસ્માત 2022માં માત્ર હેલ્મેટ-સીટ બેલ્ટ ન પહેરવાથી 66,744 મોત; ટોટલ આંકડો ખુબ જ મોટો

નવી દિલ્હી: માર્ગ સલામતી અંગે તમામ વાતો અને પ્રયાસો છતાં ચિત્ર વધુ ચિંતાજનક બન્યું છે. આમાં ન તો સરકારની પહેલ કામ આવી કે ન તો લોકોની બેદરકારીમાં કોઈ ઘટાડો થયો. વર્ષ 2022માં માર્ગ અકસ્માતના અહેવાલ દર્શાવે છે કે 2021ની સરખામણીમાં અકસ્માતો પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે અને તેમાં પણ જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

રિપોર્ટ અનુસાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મળેલા ડેટાના આધારે, 2022માં 461,312 અકસ્માતો નોંધાયા હતા જેમાં 168,491 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 4,43,366 લોકો ઘાયલ થયા હતા. વર્ષ 2021 ની તુલનામાં, અકસ્માતોમાં 11.9 ટકા, મૃત્યુમાં 9.4 ટકા અને ઇજાગ્રસ્તોની સંખ્યામાં 15.3 ટકાનો વધારો થયો છે, જેનો અર્થ છે કે રોડ નેટવર્ક અને વાહનોની સંખ્યામાં વધારો થવા સાથે માર્ગ સલામતી લચર બનતી જઈ રહી છે.

જો  સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેર્યો હોત તો જીવ ન ગયો હોત

લોકોની બેદરકારી અને નિયમોની અવગણનાને કારણે, હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા સલામતીનાં પગલાં નહીં અપનાવવાને કારણે 66,744 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ કુલ મૃત્યુના 40 ટકા છે. મતલબ કે જો સીટ બેલ્ટ અને હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવામાં આવ્યો હોત તો રોડ સેફ્ટીની સ્થિતિ કંઈક અંશે સારી થઈ શકી હોત. જીવલેણ અકસ્માતો અને ગંભીર ઇજાઓ અટકાવવા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ જરૂરી છે.

હેલ્મેટ ન પહેરવાના કારણે 50029 લોકોએ જીવ ગુમાવ્યા

કેટલાક અપવાદોને બાદ કરતાં તમામ ટુ-વ્હીલર સવારો માટે હેલ્મેટ ફરજિયાત છે, પરંતુ ગયા વર્ષે 50,029 ટુ-વ્હીલર સવારો હેલ્મેટ ન પહેરવાના કારણે મૃત્યુ પામ્યા હતા. તેમાંથી 35,692 (71.3 ટકા) ડ્રાઈવર અને 14,337 (28.7 ટકા) પાછળ બેસેલા હતા. તેમજ 16715 લોકોએ સીટ બેલ્ટ ન પહેરવાના કારણે જીવ ગુમાવવા જેટલી મોટી કિંમત ચૂકવવી પડી હતી. તેમાંથી 8384 ડ્રાઇવર અને બાકીના 8331 સહ-યાત્રી હતા.

ગયા વર્ષે હેલ્મેટ ન પહેરવાના કારણે 46593 લોકોએ જીવ ગુમાવ્યા 

વર્ષ 2021માં પણ સીટ બેલ્ટ ન પહેરવાને કારણે 16397 લોકોના મોત થયા હતા, જ્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 46593 હતી. હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવાના કારણે ઘાયલ થયેલા લોકોની સંખ્યા (અનુક્રમે 1,01,891 અને 42,303) પણ મોટી છે. હેલ્મેટ જેવી આવશ્યકતાને અવગણવાને કારણે જીવ ગુમાવનારા દ્વિચક્રી વાહન ચાલકોની સંખ્યા સૌથી વધુ તમિલનાડુ (6344), ઉત્તર પ્રદેશ (3883), મહારાષ્ટ્ર (3782), મધ્ય પ્રદેશ (3444) અને છત્તીસગઢ (2867)માં છે.

ટ્રાફિક નિયમોની અવગણના પણ અકસ્માતોનું મુખ્ય કારણ

સીટ બેલ્ટ અને હેલ્મેટ જ નહીં ટ્રાફિકના નિયમોની અજ્ઞાનતા પણ અકસ્માતોનું મુખ્ય કારણ છે. હજુ પણ 71 ટકાથી વધુ અકસ્માતોનું મુખ્ય કારણ ઓવર સ્પીડિંગ છે. જો કે, ઘણા સલામતી નિષ્ણાતો આ સાથે અસંમત છે અને કહે છે કે આ અકસ્માતના સાચા કારણોની તપાસ ન કરી શકવાનું પરિણામ છે. ગમે તે હોય લોકો કોઈપણ રીતે સુધરવા તૈયાર નથી, તેનું ઉદાહરણ લેન શિસ્તનું ઉલ્લંઘન છે, વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવાથી 2022 માં 22,586 અકસ્માતો થયા, જેમાં 9094 લોકોએ જીવ ગુમાવ્યો અને 21,745 લોકો ઘાયલ થયા. તેના કારણે વર્ષ 2021ની સરખામણીમાં અકસ્માતોમાં 5.1 ટકા, મૃત્યુમાં 12 ટકા અને ઘાયલોની સંખ્યામાં 6.8 ટકાનો વધારો થયો છે.

મોબાઈલ ફોનનો ઉપયોગ જીવલેણ

લોકોને જાગૃત કરવાના તમામ પ્રયાસો અને અપીલો છતાં લોકો વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ છોડવા તૈયાર નથી. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાને કારણે 3395 લોકોના મોત થયા છે. જોકે તેના કારણે 7558 અકસ્માતો થયા છે જેમાં 6255 લોકો ઘાયલ થયા છે. અહીં પણ 2021ની સરખામણીમાં આંકડામાં વધારો થયો છે.

માર્ગ સલામતીની જવાબદારી એકલી સરકારની નથી

દેશમાં રોડ અકસ્માતોના દુઃખદ અને શરમજનક ચિત્ર પર વારંવાર ખુલ્લેઆમ બોલનાર કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ અહેવાલના આંકડાઓ પર દુઃખ અને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે રસ્તાઓને સુરક્ષિત બનાવવાની જવાબદારી માત્ર સરકારની નથી. સરકાર અને સંબંધિત સત્તાવાળાઓ સહીત આ દેશના દરેક વ્યક્તિની સહિયારી જવાબદારી છે.

તેમણે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સીટ બેલ્ટ અને હેલ્મેટ જેવા સલામતી સાધનો ફરજીયાતપણે પહેરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો- મરાઠા આરક્ષણ મુદ્દે હાલ શું છે હલચલ?, મરાઠા આરક્ષણની માગ 41 વર્ષ પહેલાંથી

આ પણ વાંચો- રશિયામાંથી ઓઇલની આયાતમાં ઓકટોબરમાં થયો ઘટાડો