India News :રાજસ્થાન (Rajasthan)ના કોટા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર શનિવારે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભોપાલથી ખાટુ શ્યામજી (Khatu Shyamji)નાં દર્શન કરવા જઈ રહેલી મુસાફરોથી ભરેલી મિનિબસ ચાલકના કાબૂ બહાર જતાં રસ્તાની રેલિંગ તોડીને આશરે 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં પાંચ મહિલાઓ સહિત આઠ લોકોનાં મોત થયાં છે, જ્યારે 23 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
Rajasthan : સવારે 6:30 વાગ્યે સર્જાયો અકસ્માત
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત શનિવારે સવારે લગભગ 6:30 વાગ્યે કોટા જિલ્લાના સિમલિયા પોલીસ સ્ટેશન (Simaliya Police Station)વિસ્તાર હેઠળ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (Delhi-Mumbai Expressway)પર થયો હતો. મિનિબસમાં 25થી વધુ મુસાફરો સવાર હતા અને તેઓ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ભોપાલથી રાજસ્થાનના પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિરનાં દર્શન કરવા જઈ રહ્યા હતા.
પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે વાહન ચલાવતી વખતે ડ્રાઇવરને ઝોકું આવી ગયું હોઈ શકે છે. તેના કારણે બસ પરથી નિયંત્રણ ગુમાવાયું અને વાહન એક્સપ્રેસવેની રેલિંગ તોડીને નીચે ખાડામાં પડી ગયું. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ખાડામાં પાણી અને કાદવ વચ્ચે બચાવ કામગીરી
અકસ્મા બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. બસ રસ્તાથી નીચે ઊંડા ખાડામાં પડી હોવાથી મુસાફરોને બહાર કાઢવા માટે બચાવ ટુકડીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાડામાં પાણી અને કાદવ હોવાને કારણે બચાવ કામગીરી વધુ પડકારજનક બની હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ક્રેનની મદદથી મિનિબસને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી અને અંદર ફસાયેલા મુસાફરોને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
5 મહિલાઓ સહિત 8નાં મોત, 23 ઘાયલો હોસ્પિટલમાં
આ દુર્ઘટનામાં પાંચ મહિલાઓ સહિત આઠ લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. અકસ્માતમાં ઘાયલ થયેલા 23 લોકોને સારવાર માટે કોટાની એમબીએસ (MBS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં તબીબોની ટીમ ઘાયલોની સારવાર કરી રહી છે. અહેવાલોમાં ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે. બીજી તરફ, પોલીસ મૃતકોની ઓળખ અને તેમના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે.
અકસ્માતનું કારણ જાણવા પોલીસની તપાસ
પ્રાથમિક તપાસમાં ડ્રાઇવરને ઊંઘનું ઝોકું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે. આ દુર્ઘટનાએ ખાટુ શ્યામજીનાં દર્શન માટે જઈ રહેલા પરિવારોમાં શોક ફેલાવ્યો છે.
આ પણ વાંચો:રાજસ્થાનમાં પૂર્વ ભાજપ ધારાસભ્યની હત્યા: ક્રશર પ્લાન્ટના વિવાદમાં 70થી 80 લોકોના ટોળાના હુમલાનો આરોપ
આ પણ વાંચો:રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં અનોખાં વચનો: કુંવારા યુવકો માટે દક્ષિણ આફ્રિકાથી વહુ લાવવાનો દાવો
