New Delhi News/ ડ્રાઇવિંગ લાઇસન્સમાં ફેરફારની તૈયારી : ભારતીયો અને વિદેશીઓ માટે અલગ રંગનું લાઇસન્સ?

ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving Licence)મેળવવાની પ્રક્રિયામાં સલામત ડ્રાઇવિંગ અંગેના જ્ઞાનની ચકાસણી વધુ કડક બનાવવાનો પણ પ્રસ્તાવ છે

India
કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving Licence) સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે

New Delhi News : કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving Licence) સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે આ અંગે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. પ્રસ્તાવિત ફેરફારોમાં ભારતીયો અને વિદેશી નાગરિકો માટે અલગ રંગના લાઇસન્સ, (Driving Licence Colour)ઓનલાઈન મૂલ્યાંકનમાં પાસિંગ માર્ક્સ વધારવા, દસ્તાવેજોની ચકાસણી વધુ કડક બનાવવા અને અરજી પ્રક્રિયા સરળ કરવાના મુદ્દાઓ સામેલ છે. જોકે, આ ફેરફારો હજુ પ્રસ્તાવના તબક્કામાં છે અને અંતિમ નિયમો જાહેર થયા બાદ જ તેનો અમલ થઈ શકશે.

ભારતીયો અને વિદેશીઓ માટે અલગ રંગનું Driving Licence

પ્રસ્તાવિત નિયમો મુજબ, ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving Licence)પર ધારકની રાષ્ટ્રીયતા ઓળખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી શકે છે. આ માટે ભારતીય નાગરિકો અને વિદેશી નાગરિકોને અલગ રંગના લાઇસન્સ (Driving Licence Colour)આપવાનો વિકલ્પ રજૂ કરવામાં આવ્યો છે. જો આ દરખાસ્તને અંતિમ મંજૂરી મળશે, તો લાઇસન્સના રંગના આધારે તેના ધારકની રાષ્ટ્રીયતા ઓળખવાનું સરળ બની શકે છે.

ઓનલાઈન ટેસ્ટમાં પાસિંગ માર્ક્સ 60%થી વધારીને 75% કરવાની તૈયારી

ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving Licence)મેળવવાની પ્રક્રિયામાં સલામત ડ્રાઇવિંગ અંગેના જ્ઞાનની ચકાસણી વધુ કડક બનાવવાનો પણ પ્રસ્તાવ છે. હાલમાં સંબંધિત ઓનલાઈન સેફ-ડ્રાઇવિંગ ટ્યુટોરિયલ એસેસમેન્ટમાં પાસ થવા માટે 60 ટકા ગુણની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવા પ્રસ્તાવ હેઠળ આ મર્યાદા વધારીને 75 ટકા કરવામાં આવી શકે છે.

આ ફેરફારનો હેતુ અરજદારોને ટ્રાફિકના નિયમો, માર્ગ સલામતી અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અંગે વધુ જાગૃત કરવાનો છે. જોકે, પાસિંગ માર્ક્સમાં વધારો અંતિમ નિયમો પર નિર્ભર રહેશે.

ઉંમર અને સરનામાના પુરાવા માટે સોગંદનામા પર નિયંત્રણ

ડ્રાફ્ટમાં ઉંમર અને સરનામાના પુરાવા તરીકે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા નોટરી સમક્ષ રજૂ કરવામાં આવતા સોગંદનામાના ઉપયોગને મર્યાદિત કરવાની દરખાસ્ત પણ સામેલ છે. ખોટા દસ્તાવેજોના આધારે લાઇસન્સ મેળવવાની શક્યતા ઘટાડવા માટે આ પગલું સૂચવવામાં આવ્યું છે.

સરનામાના પુરાવા માટે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, ઈ-રેશન કાર્ડ અને છેલ્લા ત્રણ મહિનાનાં વીજળી કે ગેસનાં બિલ જેવા દસ્તાવેજોનો સમાવેશ થઈ શકે છે. ઉંમરના પુરાવા તરીકે પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર અને સ્કૂલ બોર્ડની માર્કશીટ જેવા દસ્તાવેજો સ્વીકારવાની દરખાસ્ત છે. ઓળખ માટે આધાર કાર્ડ, પાસપોર્ટ અને PAN કાર્ડ જેવા દસ્તાવેજો (Driving Licence Documents)નો ઉપયોગ થઈ શકે છે.

બ્લડ ગ્રુપ, મોબાઇલ નંબર અને ઇમરજન્સી સંપર્કની વિગતો

નવા પ્રસ્તાવ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ (New Driving Licence Rules)માટે અરજી કરનારા નાગરિકો પાસેથી બ્લડ ગ્રુપ, મોબાઇલ નંબર અને કટોકટીના સમયે સંપર્ક કરી શકાય તેવી વ્યક્તિની વિગતો મેળવવાનું ફરજિયાત બની શકે છે.

આ માહિતી માર્ગ અકસ્માત કે અન્ય કટોકટીની પરિસ્થિતિમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, નામ, સરનામું અને સંપર્ક નંબર જેવી કેટલીક વ્યક્તિગત વિગતોમાં ફેરફાર કરવા માટેની સેવાઓની ફી માફ કરવાની પણ દરખાસ્ત છે. આવી સેવાઓ માટે ઓનલાઈન આધાર પ્રમાણીકરણનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ છે.

ડ્રાઇવિંગ લાઇસન્સની વિવિધ સેવાઓ માટે એક જ અરજી ફોર્મ

મંત્રાલયે લાઇસન્સ સંબંધિત વિવિધ સેવાઓ માટે એક જ અરજી ફોર્મની વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં લાઇસન્સ રિન્યૂ કરાવવું, ડુપ્લિકેટ લાઇસન્સ મેળવવું, લાઇસન્સમાં નવી વાહન શ્રેણી ઉમેરવી અને વ્યક્તિગત વિગતોમાં સુધારો કરાવવો જેવી સેવાઓનો સમાવેશ થઈ શકે છે.

આ વ્યવસ્થાથી અરજદારોને અલગ-અલગ સેવાઓ માટે જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થવાની જરૂરિયાત ઘટી શકે છે.

સરનામું બદલવાની અરજી 30 દિવસમાં મંજૂર કરવાની દરખાસ્ત

ડ્રાફ્ટ મુજબ, વ્યક્તિગત માહિતીમાં ફેરફાર કરવા માટે મળેલી ઓનલાઈન અરજીઓ પર અધિકારીઓએ 15 દિવસની અંદર નિર્ણય લેવાનો રહેશે અને અરજી નકારવામાં આવે તો તેનું કારણ પણ જણાવવું પડશે.

સરનામું બદલવાની અરજી 30 દિવસ સુધી પેન્ડિંગ રહે તો તેને મંજૂર કરવાની શક્યતા અંગે પણ વિચારવાનો પ્રસ્તાવ છે. આ પગલાંનો હેતુ લાઇસન્સ સંબંધિત સરકારી સેવાઓમાં પારદર્શિતા વધારવા અને પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો છે.


આ પણ વાંચો: ડ્રાઇવિંગ લાઇસન્સ પહેલાં ફરજિયાત રોડ સેફ્ટી કોર્સ, રોડ અકસ્માત ઘટાડવા તેલંગાણા સરકારનું મગત્વનું પગલું

આ પણ વાંચો: ‘માત્ર આધારકાર્ડ જ નહીં, ડ્રાઇવિંગ લાઇસન્સ અને રેશન કાર્ડ પણ નકલી હોઈ શકે છે’, SC ની મહત્વપૂર્ણ ટિપ્પણી………..

આ પણ વાંચો: ભારતના ડ્રાઇવિંગ લાઇસન્સ પર અમેરિકામાં પણ વાહન ચલાવી શકો છો,જાણો નિયમ