Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં (Chandkheda MEMU Train Stop) વધારો થયો છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા સાબરમતી-કટોસણ રોડ MEMU ટ્રેનને ચાંદખેડા રોડ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. 28 ઓક્ટોબર, 2026થી અમલી બનેલી આ સુવિધાથી દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક કર્મચારીઓ અને બેચરાજી માતાનાં દર્શને જતા શ્રદ્ધાળુઓને લાભ થશે. અમદાવાદના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ અને અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશની ઉપસ્થિતિમાં ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવી હતી.
Chandkheda MEMU Train Stop: ચાંદખેડા રોડ સ્ટેશન પર ટ્રેનના નવા સમય જાણો
સાબરમતી અને કટોસણ રોડ વચ્ચે દોડતી MEMU ટ્રેનના બંને દિશામાં સ્ટોપેજ શરૂ કરવામાં આવ્યા છે. ટ્રેન નંબર 69250 કટોસણ રોડથી સાબરમતી જતી વખતે સવારે 9:40 વાગ્યે ચાંદખેડા રોડ સ્ટેશન પર પહોંચશે અને 9:41 વાગ્યે ઉપડશે.
જ્યારે ટ્રેન નંબર 69249 સાબરમતીથી કટોસણ રોડ જતી વખતે સાંજે 5:27 વાગ્યે ચાંદખેડા રોડ સ્ટેશન પર પહોંચશે અને 5:28 વાગ્યે પ્રસ્થાન (Chandkheda Train Timing) કરશે. આ નવા સ્ટોપેજથી ચાંદખેડા અને આસપાસના વિસ્તારોના લોકોને રેલવે મુસાફરીનો વધુ અનુકૂળ વિકલ્પ મળશે.
કલોલ, કડી અને બેચરાજી જતાં મુસાફરોને રાહત

ચાંદખેડા રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજથી સાબરમતી, કલોલ, કડી અને કટોસણ રોડ તરફ મુસાફરી કરતા લોકોને ફાયદો થશે. ખાસ કરીને દરરોજ નોકરી કે અભ્યાસ માટે મુસાફરી કરતા લોકો માટે આ સુવિધા ઉપયોગી બનશે.
આ ઉપરાંત બેચરાજી માતાના મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને પણ રેલવે કનેક્ટિવિટીનો (Becharaji Railway Connectivity) લાભ મળશે. બેચરાજી અને મારુતિના ઔદ્યોગિક વિસ્તાર સહિત આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ અવરજવર સરળ બનાવવાની દિશામાં આ પગલું મહત્ત્વનું માનવામાં આવે છે.
ચાંદખેડા રોડ સ્ટેશનને રેલવે હબ તરીકે વિકસાવવાની યોજના
અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે જણાવ્યું હતું કે ચાંદખેડા રોડ સ્ટેશન પર MEMU ટ્રેનનું સ્ટોપેજ ગ્રેટર અમદાવાદના વિકાસ તરફનું મહત્ત્વપૂર્ણ પગલું છે. સ્ટેશનના વિકાસ અને રોડ કનેક્ટિવિટી સુધારવા માટે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે, જેથી સ્ટેશનને અમદાવાદના શહેરી પરિવહન નેટવર્ક સાથે વધુ સારી રીતે જોડવામાં આવે.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ, ગુજરાત મેટ્રો અને ભારતીય રેલવે દ્વારા સંયુક્ત સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં વિવિધ વિસ્તારોની વસ્તી અને ભવિષ્યમાં થનારા શહેરી વિસ્તારના વિસ્તરણને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. તેના આધારે પરિવહન નેટવર્કને વધુ મજબૂત બનાવવાની યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રકારની સુવિધાઓથી રસ્તા પરના ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં અને દૈનિક મુસાફરી વધુ સરળ બનાવવામાં મદદ મળી શકે છે.
વટવામાં 100 લાઇનનો મેગા કોચિંગ ડેપો બનાવવાની યોજના
રેલવેના ભાવિ વિકાસ અંગે માહિતી આપતાં વેદ પ્રકાશે વટવામાં પ્રસ્તાવિત મેગા કોચિંગ ડેપરનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ડેપોમાં આશરે 100 લાઇન વિકસાવવાની યોજના છે. અમદાવાદ રેલવે સંકુલમાંથી ભવિષ્યમાં વધનારી ટ્રેનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ સુવિધા મહત્ત્વપૂર્ણ બની શકે છે.
આ ડેપોમાં ટ્રેનોની જાળવણી અને સંચાલન માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો હેતુ આગામી વર્ષોમાં મુસાફરોની વધતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે રેલવેની ક્ષમતામાં વધારો કરવાનો છે.
ગુજરાતમાં રેલવે બજેટ ફાળવણીમાં વધારો
વેદ પ્રકાશે ગુજરાતમાં રેલવેના (Indian Railways Gujarat) વિકાસ માટે કરવામાં આવેલી બજેટ ફાળવણીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2014 પહેલાં રાજ્યમાં રેલવે વિકાસ માટે વાર્ષિક રૂ.589 કરોડની ફાળવણી થતી હતી, જે હવે વધીને રૂ.17,366 કરોડ થઈ છે. તેમના જણાવ્યા અનુસાર, આ ફાળવણી અગાઉની સરખામણીએ લગભગ 30 ગણી વધારે છે.
![]()
તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ગુજરાતનાં 88 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ સ્ટેશનો પર આધુનિક મુસાફર સુવિધાઓ ઊભી કરવા, સ્ટેશન પરિસર સુધારવા અને આસપાસના શહેરી વિસ્તારો સાથેની કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આગામી 50થી 100 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજન
ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પરિવહનની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી રેલવે લાઇન, પરિપત્ર રેલવે નેટવર્ક, સ્ટેશનોના પુનર્વિકાસ અને આધુનિક કોચિંગ સુવિધાઓ સહિતના પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પ્રોજેક્ટ્સથી પ્રાદેશિક રેલવે કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળી શકે છે. ચાંદખેડા રોડ સ્ટેશન પર MEMU ટ્રેનનું નવું સ્ટોપેજ આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે ગ્રેટર અમદાવાદના મુસાફરોને વધુ સારા રેલવે પરિવહનનો વિકલ્પ પૂરો પાડશે.
આ પણ વાંચો: ભાદરવી પૂનમ મેળા માટે રેલવેની મોટી સુવિધા, અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે 13 દિવસ સ્પેશિયલ ટ્રેન
આ પણ વાંચો: બિલાસપુરમાં માલગાડી પર પેસેન્જર ટ્રેન ચડી, 6 મુસાફરોના મોત,ડઝનબંધ ઘાયલ
આ પણ વાંચો: ગુજરાતના આ સ્ટેશન પરથી પસાર થતી 19 ટ્રેનોના રૂટ બદલાયા, જુઓ સંપૂર્ણ યાદી
