World News : અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં રવિવારે એક ભયાનક વિમાન દુર્ઘટના (Florida Plane Crash)એ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી. ટેક્સાસથી બહામાસ જઈ રહેલું પ્રાઇવેટ બિઝનેસ જેટ અચાનક હવામાંથી બેકાબૂ થઈને સીધું જમીન પર તૂટી પડ્યું હતું. વિમાન રસ્તા નજીક ખાબકતાં જ જોરદાર વિસ્ફોટ થયો હતો અને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 9 લોકોનાં મોત (9 Dead)થયા હોવાની પુષ્ટિ અમેરિકાના પરિવહન મંત્રી શૉન ડફીએ કરી છે.
Florida Plane Crash : ટેક્સાસથી બહામાસ જતું વિમાન બન્યું આગનો ગોળો
પ્રાથમિક માહિતી પ્રમાણે, ‘લિયરજેટ 60’ (Learjet 60 Crash)નામનું પ્રાઇવેટ જેટ ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બહામાસ જવા માટે રવાના થયું હતું. જોકે, ગંતવ્ય સુધી પહોંચે તે પહેલાં જ દક્ષિણ ફ્લોરિડામાં વિમાન સાથે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. વિમાનનો રજિસ્ટ્રેશન નંબર N722BD હોવાનું સામે આવ્યું છે. ઓસ્ટિન એરપોર્ટના પ્રવક્તા જિમ રેનોલ્ડ્સે આ ઘટનાને મોટી ત્રાસદી ગણાવી હતી.
પાયલટે જાહેર કરી હતી ઇમરજન્સી, કોકપિટમાં સંભળાયા એલાર્મ
દુર્ઘટના પહેલાં એર ટ્રાફિક કંટ્રોલ સાથે થયેલી રેડિયો વાતચીતમાં પાયલટે વિમાન પર બરફ જામી રહ્યો હોવાની જાણકારી આપી હતી. બહારનું તાપમાન માઇનસ 47 ડિગ્રી સેલ્સિયસ અને મધ્યમ સ્તરનું ટર્બ્યુલન્સ હોવાની પણ વાત કરી હતી.
થોડી જ વારમાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. પાયલટે ઇમરજન્સી જાહેર કરીને વિમાનની ઝડપથી નીચે જવાની જાણકારી આપી હતી. રિપોર્ટ મુજબ, વિમાન પ્રતિ મિનિટ 20,000થી 22,000 ફૂટની ઝડપે નીચે આવી રહ્યું હતું. કોકપિટમાં એલાર્મના અવાજો વચ્ચે પાયલટે વિમાન પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થિતિ કાબૂ બહાર જતાં છેલ્લી રેડિયો વાતચીતમાં ભારે ગભરાટ સંભળાયો હતો અને ત્યારબાદ સંપર્ક તૂટી ગયો હતો.
રસ્તા નજીક પડ્યું વિમાન, આગ અને ધુમાડાના ગોટેગોટા
વિમાન જમીન સાથે અથડાતાં જ મોટો ધડાકો થયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ દ્વારા બનાવવામાં આવેલા વીડિયોમાં વિમાન અત્યંત ઝડપે નીચે આવતું અને ત્યારબાદ આગ ફાટી નીકળતી જોવા મળી હતી.
આ દુર્ઘટના મિલિટરી ટ્રેલ અને 10મા એવન્યુ નોર્થ પાસે સર્જાઈ હતી. વિમાન રહેણાક મકાનો અને રસ્તા પરથી પસાર થતાં વાહનોથી થોડા અંતરે પડ્યું હતું. જો વિમાન સીધું વસાહત કે વાહનો સાથે અથડાયું હોત તો જાનહાનિનો આંકડો વધુ વધી શક્યો હોત. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં વીજળી પુરવઠો પણ ખોરવાયો હતો.
FAA અને NTSB દ્વારા તપાસ શરૂ
દુર્ઘટનાની જાણ થતાં જ પામ બીચ કાઉન્ટી (Palm Beach County)શેરિફ કાર્યાલય અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે આસપાસના રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો અને ઇમરજન્સી સેવાઓને એલર્ટ કરવામાં આવી હતી.
વિમાન કયા કારણોસર નિયંત્રણ બહાર ગયું અને દુર્ઘટના પાછળ ટેકનિકલ ખામી, હવામાન કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB Investigation)દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવશે.
