Surat News/ સુરત એરપોર્ટ પર કાઉ કેચર હોવા છતાં આખલાની લટાર, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat Airport) પર કાઉ કેચર હોવા છતાં આખલો પરિસરમાં ફરતો જોવા મળ્યો. મુસાફરોની અવરજવર વચ્ચેનો વીડિયો વાયરલ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા.

Top Stories Gujarat Surat Breaking News
Surat Airport: સુરક્ષા વ્યવસ્થાને પડકાર! કાઉ કેચર હોવા છતાં અંદર ઘૂસ્યો આખલો

Surat News: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat Airport) પર પશુઓને પ્રવેશતા રોકવા માટે કાઉ કેચરની વ્યવસ્થા (Cow Catcher) કરવામાં આવી હોવા છતાં પરિસરમાં એક આખલો બેરોકટોક ફરતો જોવા મળ્યો હતો. રવિવારે રાત્રે મુસાફરો અને ટેક્સીઓની અવરજવર વચ્ચે આખલો આંટાફેરા મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અને પશુઓના પ્રવેશને રોકવા માટે કરવામાં આવેલા આયોજન સામે સવાલો ઊભા કર્યા છે.

Surat Airport: 2014ની ઘટના બાદ પણ સમસ્યા યથાવત્

સુરત એરપોર્ટ પર રખડતાં પશુઓનો મુદ્દો અગાઉ પણ સામે આવી ચૂક્યો છે. વર્ષ 2014માં એરપોર્ટના રનવે પર ટેક-ઓફ દરમિયાન એક ભેંસ ફ્લાઇટ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ થઈ નહોતી. જોકે, આ ઘટના બાદ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનાં વચનો આપવામાં આવ્યાં હતાં.

આટલા વર્ષો બાદ પણ એરપોર્ટ પર પશુઓ ઘૂસી જવાની ઘટના (Bull Entered Airport) સામે આવતાં સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા અંગે ફરી સવાલો ઊભા થયા છે.

ચાર મહિનામાં બીજી વખત પશુ ઘૂસ્યાનો વીડિયો

ગત 26 જુલાઈએ પણ સુરત એરપોર્ટ પરિસરમાં ગાય દોડતી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. હવે ચાર મહિનાથી ઓછા સમયમાં ફરી એક વખત આખલો એરપોર્ટ પરિસરમાં ફરતો જોવા મળ્યો છે. એરપોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં વારંવાર આવી ઘટનાઓ બનતાં પશુઓના પ્રવેશને (Stray Cattle Problem) રોકવા માટેની વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે.

પાર્કિંગ અને પિકઅપ-ડ્રોપ ઝોનમાં અકસ્માતનો ભય

એરપોર્ટ પર રાત્રિના સમયે ફ્લાઇટ્સના આગમન દરમિયાન પાર્કિંગ અને પિકઅપ-ડ્રોપ ઝોનમાં મુસાફરો, ખાનગી વાહનો અને કેબની અવરજવર રહેતી હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ પશુ અચાનક દોડે કે વાહનોની વચ્ચે આવી જાય તો અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. મુસાફરોને ઈજા પહોંચે અથવા વાહનોને નુકસાન થાય તે પહેલાં પશુઓના પ્રવેશને અટકાવવા માટે અસરકારક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.

કાઉ કેચર હોવા છતાં આખલો અંદર કેવી રીતે પહોંચ્યો?

એરપોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર પશુઓને રોકવા માટે કાઉ કેચર લગાવવામાં આવ્યું હોવા છતાં આખલો પરિસરમાં કેવી રીતે પ્રવેશ્યો તે તપાસનો વિષય બન્યો છે. માત્ર પ્રવેશદ્વાર પર કાઉ કેચર લગાવવાથી સુરક્ષાની જવાબદારી પૂર્ણ થતી નથી, પરંતુ પરિસરની સતત દેખરેખ અને પશુઓના પ્રવેશને રોકવા માટેની વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે.

વીડિયો વાયરલ થયા બાદ એરપોર્ટ પ્રશાસન દ્વારા કાઉ કેચરની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા અપગ્રેડ કરવાની વાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હાલની વ્યવસ્થા હોવા છતાં પશુ પરિસરમાં કેવી રીતે પહોંચ્યું અને આવી ઘટના ફરી ન બને તે માટે કયા પગલાં લેવાશે તે મહત્ત્વનો મુદ્દો છે.


આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર કેવો વહીવટ! કેબ માટે બાળકો અને લગેજ સાથે રેલિંગ કૂદતા મુસાફરો

આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર મુસાફરોમાં ઘટાડો, સ્થાનિક ફ્લાઈટ્સની સંખ્યા ઘટી

આ પણ વાંચો: સુરત એરપોર્ટના રનવે પર દેખાયો 3 ફૂટનો સાપ, ટેક-ઓફ પહેલાં પાયલોટે ફ્લાઇટ રોકી; VIDEO વાયરલ