Gujarat News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે (PM Modi Ambaji Visit) આવવાના છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે. પ્રધાનમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને અમદાવાદથી અંબાજી સુધી વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
PM Modi Ambaji Visit: 13 નવેમ્બરે રાત્રે અમદાવાદ પહોંચશે
પ્રવાસના પ્રથમ દિવસે, 13 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે આશરે 9 વાગ્યા બાદ દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ તેઓ સીધા ગાંધીનગર સ્થિત લોકભવન (રાજભવન) જવા રવાના થશે. અહીં તેઓ રાત્રિ રોકાણ કરશે.
14 નવેમ્બરે હેલિકોપ્ટરથી અંબાજી જશે
પ્રવાસના બીજા દિવસે, 14 નવેમ્બરે લાભ પાંચમના પવિત્ર દિવસે પ્રધાનમંત્રી સવારે આશરે 10 વાગ્યા બાદ અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે બનાસકાંઠા જવા રવાના થાય તેવી સંભાવના છે. બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ તેઓ અંબાજી મંદિર પરિસરમાં પહોંચશે. અહીં માતાજીનાં દર્શન કર્યા બાદ લાભ પાંચમની પૂજા-અર્ચના કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ બપોરે દિલ્હી પરત ફરશે.
અંબાજીમાં સુરક્ષાની તૈયારીઓ તેજ
પ્રધાનમંત્રીના આગમનને લઈને અંબાજી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્ત, વાહનવ્યવહારનું સંચાલન અને પ્રધાનમંત્રીના કાફલાના રૂટ અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે પણ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે.
પ્રધાનમંત્રીના સંભવિત પ્રવાસને પગલે અંબાજી સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જોકે, કાર્યક્રમના સમય અને અન્ય વિગતો અંગેની અંતિમ સ્પષ્ટતા સત્તાવાર જાહેરાત બાદ જ થશે.
