National News: દેશના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ‘ચક્રવાત અકવાન’ના (Cyclone Akwan) કારણે અનેક રાજ્યોમાં વરસાદી માહોલ (IMD Rain Alert) સર્જાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાની સરહદ નજીક ગોપાલપુર પાસે ચક્રવાત અકવાન તટ પરથી પસાર થયું હતું. જોકે, જમીન સાથે અથડાતા પહેલાં જ આ તોફાન નબળું પડીને સામાન્ય ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું. બીજી તરફ, ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધવાની સાથે અનેક વિસ્તારોમાં ધુમ્મસની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ગોપાલપુર નજીક તટ પરથી પસાર થયું Cyclone Akwan
હવામાન વિભાગના નિવેદન મુજબ, ચક્રવાત અકવાન (Cyclone Akwan) શુક્રવારે સવારે 7:30થી 8:30 વાગ્યાની વચ્ચે ગોપાલપુર નજીક તટ પરથી પસાર થયું હતું. આ દરમિયાન પવનની ગતિ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. ચક્રવાતની અસરને કારણે દેશના વિવિધ ભાગોમાં હવામાનની સ્થિતિ બદલાઈ છે અને અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
દક્ષિણ અને પૂર્વ ભારતનાં રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે 20થી 23 નવેમ્બર અને 26 નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, કેરળ, માહે અને રાયલસીમાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. કર્ણાટકમાં 23થી 26 નવેમ્બર દરમિયાન અને તેલંગાણામાં 20 નવેમ્બરે વરસાદી માહોલ રહેવાની આગાહી છે.
પૂર્વ મધ્યપ્રદેશમાં 22 નવેમ્બર સુધી વરસાદ પડી શકે છે. જ્યારે 21 નવેમ્બરે છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદની શક્યતા છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને સિક્કિમના અનેક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, 24 નવેમ્બર સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે.
દિલ્હી-UP સહિત ઉત્તર ભારતમાં ઠંડી વધશે
ઉત્તર ભારતમાં (UP Weather Forecast) આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 નવેમ્બરે આકાશ આંશિક વાદળછાયું રહેશે અને સવારના સમયે મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસ અથવા ઝાકળ જોવા મળી શકે છે.
દિલ્હીમાં શનિવારે મહત્તમ તાપમાન 25થી 27 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 13થી 15 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં લગભગ 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહી શકે છે.
UP, હરિયાણા અને પંજાબમાં ગાઢ ધુમ્મસની ચેતવણી
હવામાન વિભાગે 22 અને 23 નવેમ્બરે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે 20થી 22 નવેમ્બર દરમિયાન હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે.
આમ, એક તરફ દક્ષિણ અને પૂર્વ ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદી માહોલ (Heavy Rain Alert India) રહેવાની શક્યતા છે, તો બીજી તરફ ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઠંડીનો કહેર વધશે, દિલ્હી-UP સહિત 10 રાજ્યોમાં વરસાદ અને બરફવર્ષાનું એલર્ટ; જાણો હવામાનનો હાલ
આ પણ વાંચો: સવારે ઠંડી અને બપોરે ગરમીથી લોકો પરેશાન! 19 નવેમ્બર સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેશે
આ પણ વાંચો: 13 નવેમ્બરે ક્યાં પડશે વરસાદ? જાણો જમ્મુ-કાશ્મીરથી દક્ષિણ ભારત સુધીનું હવામાન
