National News : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi)પોતાની માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથેની એક ખાસ વાતચીતમાં પરિવાર સાથે જોડાયેલી જૂની યાદો અને અનેક સંવેદનશીલ પ્રસંગો શેર કર્યા છે. આ વાતચીતમાં રાજીવ ગાંધીની સુરક્ષા અંગેની ચિંતા, 2004માં સોનિયા ગાંધી (Sonia Gandhi)દ્વારા વડાપ્રધાન પદ ન સ્વીકારવાનો નિર્ણય અને પ્રિયંકા ગાંધીના બાળપણનો એક રસપ્રદ પ્રસંગ પણ સામે આવ્યો છે.
રાજીવ ગાંધીની સુરક્ષાને લઈને રાહુલ ગાંધીની ચિંતા
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ માતા સોનિયા ગાંધી (Sonia Gandhi)અને બહેન પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)સાથે પરિવારની જૂની યાદો વાગોળતા જોવા મળે છે. આ વીડિયો સાથે તેમણે લખ્યું કે કેટલીક બાબતો યોજના મુજબ બની શકી નહોતી અને તેમનો સાતમો જન્મદિવસ પણ ધાર્યા પ્રમાણે રહ્યો નહોતો.
વાતચીત દરમિયાન સોનિયા ગાંધીએ વર્ષ 1991 પહેલાંના એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi)પોતાના પિતા રાજીવ ગાંધી (Rajiv Gandhi)સાથે બિહારના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસ દરમિયાન ભીડમાંથી રાજીવ ગાંધી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ થયા હતા.
આ ઘટના બાદ ઘરે પરત ફરેલા રાહુલ ગાંધીએ (Rahul Gandhi)પિતાની સુરક્ષાને લઈને પોતાની માતા સમક્ષ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. રાહુલે કહ્યું હતું કે જો પિતાની સુરક્ષા માટે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો તેમને ડર છે કે ટૂંક સમયમાં જ પિતાના અંતિમ સંસ્કાર માટે પાછા આવવું પડશે.
‘પિતાની સુરક્ષા હટાવવા પાછળ હત્યાનો ઇરાદો હતો’
રાજીવ ગાંધીની સુરક્ષાને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે પિતાની સુરક્ષા હટાવવામાં આવી હતી, જેથી તેમની હત્યા કરી શકાય. તેમણે બિહાર પ્રવાસ દરમિયાન બનેલી ઘટનાને પોતાની ચિંતાઓનો અંતિમ પડાવ ગણાવ્યો હતો.
રાજીવ ગાંધીની (Rajiv Gandhi)સુરક્ષા અને ત્યારબાદ બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીની આ વાતચીતમાં પરિવારના મુશ્કેલ સમયની યાદો ફરી સામે આવી છે.
2004માં સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદ કેમ ન સ્વીકાર્યું?
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં 2004ના એક નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું કે તે નિર્ણયથી કેટલાક લોકોને રાહત મળી હતી, જ્યારે કેટલાક લોકો ખુશ થયા હતા. જોકે, તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું નથી કે તેઓ કયા નિર્ણયની વાત કરી રહ્યા છે.
આ ઉલ્લેખને સોનિયા ગાંધી (Sonia Gandhi)દ્વારા 2004માં વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર કરવાના નિર્ણય સાથે જોડવામાં આવી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધનની જીત બાદ સોનિયા ગાંધી વડાપ્રધાન બની શકે તેમ હતા, પરંતુ તેમણે આ પદ સ્વીકાર્યું નહોતું. ત્યારબાદ ડૉ. મનમોહન સિંહને દેશના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
સોનિયા ગાંધીના પુસ્તકમાં પણ ઘણી યાદો રહી ગઈ
રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધીના પુસ્તક ‘Belonging: A Journey of Love’નો ઉલ્લેખ કરતાં કહ્યું કે પુસ્તકમાં 500થી વધુ પાનાં હોવા છતાં જીવનની ઘણી વાતો તેમાં સમાવાઈ શકી નથી.
તેમણે માતાની જીવનયાત્રાને પ્રેમ, દુઃખ અને સંઘર્ષથી ભરેલી ગણાવી હતી. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીએ અનેક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો ગરિમા અને હિંમત સાથે કર્યો છે.
પ્રિયંકા ગાંધીએ સ્કૂલમાં છોકરાને કેમ માર્યો હતો લાફો?
વાતચીત દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ બાળપણની એક યાદ શેર કરી હતી. તેમણે જણાવ્યું કે ઈન્દિરા ગાંધી ચૂંટણી હારી ગયા બાદ પરિવારને અન્ય ઘરમાં રહેવા જવું પડ્યું હતું. તે સમયે પરિવાર પર તણાવપૂર્ણ સ્થિતિ હતી.
પ્રિયંકાએ યાદ કરતાં કહ્યું કે સ્કૂલમાં એક છોકરાએ તેમની પાસે આવીને કહ્યું હતું કે તેમના કાકા સંજય ગાંધી જેલમાં છે અને તેઓ ચોર છે. આ વાત સાંભળીને પ્રિયંકાએ તેને લાફો મારી દીધો હતો. ત્યારબાદ છોકરો રડતો શિક્ષક પાસે ગયો અને પ્રિયંકાને પણ ઠપકો મળ્યો હતો.
સોનિયા ગાંધીએ પણ શેર કર્યો વીડિયો
રાહુલ ગાંધીની પોસ્ટ બાદ સોનિયા ગાંધીએ પણ આ વીડિયો શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ‘Belonging’ પુસ્તક તેમણે પોતાની યાદોના આધારે લખ્યું હતું, પરંતુ રાહુલ અને પ્રિયંકાએ તેમાં પોતાની યાદો ઉમેરતાં વાતોને વધુ જીવંત બનાવી દીધી છે.
સોનિયા ગાંધીએ બાળકોને પોતાની સૌથી મોટી ખુશી અને શક્તિ ગણાવ્યાં હતાં. સાથે જ મજાકિયા અંદાજમાં લખ્યું હતું કે રાહુલ અને પ્રિયંકા એવા બે લોકો છે, જે તેમના ધૈર્યની સૌથી વધુ કસોટી કરે છે.
