ભારત અને સાથે સાથે પૂરી દુનિયામાં લોકપ્રિયતા ધરાવતી ક્રિકેટ ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અંગે બોમ્બે હાઇકોર્ટે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સોમવારે થયેલી સુનવણી દરમિયાન હાઇકોર્ટે જણાવ્યું હતું કે, “યુવાન ખેલાડીઓ લોકપ્રિય ટી-20 ક્રિકેટ લીગ IPLમાં રમીને માત્ર પૈસા કમાવવા ઇચ્છે છે અને વિદેશી મુદ્રાના નિયમોમાં થતા કથિત ઉલ્લંઘનને કારણે આ એક સ્વચ્છ મનોરંજન રહ્યું નથી”.
કોર્ટે આ અંગે વધુમાં જણાવતા કહ્યું હતું કે, યુવા ક્રિકેટર લોકપ્રિય ટી-20 ક્રિકેટ લીગ રમીને એક ટુર્નામેન્ટમાંથી ૫ થી ૧૦ કરોડ રૂ. કમાઈ લેવા માગે છે અને દેશ માટે રમવાની ભાવના ધરાવતા નથી.
ન્યાયમૂર્તિ એસ. સી. ધર્માધિકારી અને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેની બેન્ચ IPLના પૂર્વ ચેરમેન લલિત મોદીની પીટીશન પર સુનાવણી કરી રહ્યા હતા. ત્યારે લલિત મોદીનાવકીલ અસ્પી ચિનોલે દલીલ કરી હતી કે, જો તેમને સાક્ષીઓની ઉલટતપાસ કરવાની મંજૂરી નહીં દેવામાં આવે તો તેમના મૌલિત અધિકારોનું હનન હશે. કોર્ટના એ઼ડિશનલ સોલિસીટર જનરલ અનિલ સિંહે જણાવ્યું હતું કે આટલા નાના મુદ્દા માટે મામલાને આટલો લાંબો ખેંચવાની જરૂર નથી. ખંડપીઠ આ અરજી પર મંગળવારે આદેશ આપવામાં આવશે.
મહત્વનું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED) એ દક્ષિણ આફ્રિકામાં આયોજિત ૨૦૦૯ની IPLમાં વિદેશી મુદ્રા એક્સચેન્જના કથિત ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. આ સમયે ઇડીની કમિટીએ લલિત મોદી વિરૂદ્ધ બીસીસીઆઇના ટોચના અધિકારીઓ સહિત સાત સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા પણ લલિત મોદીને આ સાક્ષીઓની ઉલટતપાસ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
