ભુજ
ભુજ તાલુકાના એક ગામમાં સાસરિયાઓની પુત્ર ઘેલછા સામે આવી છે અને પુત્ર ઘેલછામાં પુત્રીને જન્મ આપનાર વહુની હત્યા કરવાની પણ કોશિશ કરવામાં આવી હોવાનો આરોપ થયો છે. ભુજ તાલુકાના એક ગામની યુવતીના લગ્ન અંજારની જૂની કોર્ટ પાછળ આવેલાં વિજયનગરમાં રહેતા કુલદીપ માવજી કાતરીયા સાથે થયા હતા.
પરિણાતાનું માનીએ તો એક-દોઢ વર્ષ સુધી તો લગ્નજીવન સુખેથી પસાર થયું. પરંતુ ત્યાર બાદ સાસુ-વહુ વચ્ચે ઘર કંકાસ શરૂ થયો. જો કે ત્યાર બાદ પતિને મુંદ્રામાં ખાનગી નોકરી મળતાં પતિ-પત્ની મુંદ્રા રહેવા જતા રહ્યા. દોઢ વર્ષ બાદ યુવતી ગર્ભવતી થઈ પરંતુ સાસુએ દીકરો જ જોઈશે તેવી વાતો કરવાનું શરૂ કરી દીધું.
પુત્ર જન્મે તે માટે સાસુએ ભુવાઓ પાસેથી વસ્તુઓ લઈને પણ ખવડાવી અને પતિ પણ સાસુના સુરમાં સુર પૂરાવતો રહ્યો. પરંતુ 9 મહિના થતાં વહુએ પુત્રીને જન્મ આપતા પતિ અને સાસુ રોષે ભરાયા અને વહુને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી.
જે અંગે ખ્યાલ આવતા પરિવારજનોએ તેને ઘરે બોલાવી લીધી. કોર્ટમાં ભરણપોષણનો કેસ થયો અને ડરી ગયેલા પતિએ સમાધાન કરી વહુ અને પુત્રીને ઘરે લઈ ગયો. પરંતુ ઘરે ગયા બાદ અત્યાચારો ચાલુ રહ્યા અને રાત્રે વહુ સૂતી હતી એ દરમિયાન સાસુએ ઓશીકું મોં પર દબાવીને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
