મુંબઈ
16 જુલાઈ 2010ના રોજ રીલીઝ થયેલ નિર્દેશક વિક્રમાદિત્ય મોટવાનેની પ્રથમ ફિલ્મ ઉડાને વગર કોઈ સ્ટારકાસ્ટે જ જોરદાર સફળતા મેળવી હતી. ઉડાન ફિલ્મ માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં પણ ફિલ્મે દેશ-વિદેશમાં પણ ખૂબ પ્રશંસા મેળવી હતી.
આ ફિલ્મ બાદ વિક્રમાદિત્યે લુટેરા, ટ્રેપ્ડ અને ભાવેશ જોષી જેવી ફિલ્મોનુ નિર્માણ કર્યુ, પરંતુ આ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કરી શકી નહીં. જોકે ટ્રેપ્ડ ફિલ્મને વિવેચકો અને દર્શકોએ વખાણી હતી. સતત અસફળ ફિલ્મોની માર સહન કરી રહેલ અને વધુ એક હિટ ફિલ્મ માટે તરસી રહેલ વિક્રમાદિત્ય હવે પોતાની ઉડાન ફિલ્મની સિક્વલ બનાવવા જઈ રહ્યા છે. સુત્રોનું કહેવુ છે કે વિક્રમાદિત્ય ઉડાન-2ની સ્ટોરી અને સ્ક્રિનપ્લે તૈયાર કરી ચુક્યા છે.
આપને જણાવી દઈએ કે ફિલ્મની સ્ટારકાસ્ટની પણ પસંદગી કરી લેવામાં આવી છે. સુત્રોનું માનીએ તો ઉડાન-2ની વાર્તા 10 વર્ષ આગળથી શરુ થશે. ફિલ્મના કલાકારો અને પાત્રોમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. ઉડાન-2માં લવસ્ટોરીનો પણ એંગલ હશે. રોનિત રોય, રામ કપુર, રજત બરમેચા અને નવજાતસિંહ ફિલ્મમાં પોતાની એ જ ભૂમિકામાં જોવા મળશે. આપને જણાવી દઈએ કે, ઉડાન-2ની વાર્તા વિક્રમાદિત્ય અને અનુરાગ કશ્યપે સાથે મળીને લખી છે.
