અમદાવાદ: લોકસભાની આગામી વર્ષ 2019માં યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને આગામી તા. 23 મી ઓગસ્ટના રોજ PM નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં તેઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યોજાનારા કાર્યક્રમો ઉપસ્થિત રહેશે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના જૂનાગઢ, દક્ષિણ ગુજરાતના ધરમપુર અને વલસાડ તેમજ ઉત્તર ગુજરાતના ગાંધીનગરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના જૂનાગઢમાં જાહેરસભા સંબોધન કરીને આગામી વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનાં પ્રચારનો ગુજરાતમાં પ્રારંભ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત મહિનામાં એટલે કે, ગત તા. 20 જુલાઈના રોજ ગુજરાતની મુલાકાતે આવનાર હતા પરંતુ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે તેમનો ગુજરાત પ્રવાસને મોકૂફ રાખવામાં આવ્યો હતો.
