ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી અને વર્લ્ડ ચેમ્પીયન વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુનાં નામોને સોમવારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે આગળ ધરવામાં આવ્યા. આ એવોર્ડ સ્પોર્ટસ માટે અપાતો દેશનો ઉચ્ચ અને સન્માનીય એવોર્ડ છે.
કોહલીનું નામ બીજી વખત આ એવોર્ડ માટે આગળ ધરવામાં આવ્યું છે કારણકે વર્ષ 2016 માં સિલેકશન કમીટી દ્વારા તેઓને લીલી ઝંડી મળી ન હતી. 29 વર્ષીય ક્રિકેટર વિરાટ કોહલીનું નામ આ વર્ષે ફરી ખેલ રત્ન એવોર્ડ માટે સજેસ્ટ કરવામાં આવ્યું છે.
કોહલી હાલ ICC ટેસ્ટ રેન્કિંગમાં આગળ છે એમનાં અદભુત બેટિંગ પરફોર્મન્સને લઈને. જો આ એવોર્ડ માટે સ્પોર્ટસ મીનીસ્ટર રાજયવર્ધનસિંહ કોહલીનું નામ મંજુર કરશે તો વિરાટ કોહલી ત્રીજા ક્રિકેટર બની જશે જેમને આ ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હોય. આ પહેલાં આ એવોર્ડ સચીન તેંદુલકરને વર્ષ 1997 માં મળ્યો હતો. જયારે ડબલ વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટર ધોનીને 2007 માં આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મીરાબાઈનું નામ આ એવોર્ડ માટે એમની સિદ્ધિઓને લઈને આગળ ધરવામાં આવ્યું છે. ગયા વર્ષે તેઓ 48 કિલો કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ગોલ્ડ વિનર રહ્યા હતા. આ ઉપરાંત આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેઓ ગોલ્ડ મેડલ જીત્યા હતા પરંતુ એમની ઇન્જરીને કારણે તેઓ એશિયન ગેમ્સમાં આગળ વધી શક્યા ન હતા.
આ ઉપરાંત બેડમિન્ટન પ્લેયર શ્રીકાન્ત કીદમ્બીનું નામ પણ ખેલ રત્ન એવોર્ડ માટે ચર્ચાયું હતું.
