અમદાવાદ: ભાવનગર જિલ્લાના વલભીપુર નજીક આવેલા ચમારડી પાસે ખાનગી મિની બસ પૂલ પરથી નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત નીપજ્યા હતા જયારે 30 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરના સમયે એક ખાનગી મિની બસ ૩5થી વધુ મુસાફરોને લઈને ભાવનગર જિલ્લાના વલભીપુર અને ચમારડી ગામ વચ્ચેથી પસાર થતી હતી. ત્યારે ચમારડી પાસે આ મિની બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે આ મિની બસ એક પૂલ ઉપરથી 30 ફૂટ ઊંડા નાળામાં જઇને ખાબકી હતી.
આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બસમાં સવાર એવા ચાર મુસાફરોના મોત નીપજ્યા હતા. જયારે 30 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
આ મિની બસને અકસ્માત નડ્યાની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને બસમાં રહેલા મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની તેમજ તેમના બચાવ માટેની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાંની સાથે જ ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની વલભીપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ગંભીર અકસ્માતની ઘટના બની હોવાની જાણ થતાંની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, અને ધોરણસરની કામગીરી હાથધરી હતી.
