જસદણ,
જસદણ વિધાનસભાની બેઠક પર યોજાઈ રહેલી ઉપ-ચૂંટણીને લઈ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સવારે ૮ વાગ્યાથી જ આ બેઠક પર વોટિંગ થઇ રહ્યું છે અને ૧૦ વાગ્યા સુધી ૧૫ ટકા જેટલું મતદાન થયું છે.
આ વિધાનસભાની સીટની વાત કરવામાં આવે તો, આ બેઠક પર ભાજપના કુંવરજી બાવળિયા તેમજ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અવસર નાકિયા વચ્ચે સીધો જ જંગ છે.
ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ કોંગ્રેસમાંથી બળવો કરી ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કર્યો હતો અને ત્યારબાદ તેઓને ગણતરીના કલાકોમાં રુપાણી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા.
જોવામાં આવે તો, કુંવરજી બાવડિયા માટે આ ચૂંટણી ખૂબ અગત્યની માનવામાં આવી રહી છે, કારણ કે આ ચૂંટણીની જીત સાથે જ તેઓનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ શકે છે. જ્યારે અવસર નાકિયા માટે આ ચૂંટણી એક અવસર સમાન જોવા મળી રહી છે.
ભાજપના ઉમેદવાર કુંવરજી બાવડિયાએ અમરાપુરમાં પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી તેમજ ૧૦૫ વર્ષની માતાના આશીર્વાદ પણ લીધા હતાં. ત્યારબાદ તેઓએ મતદાન કર્યું હતું.
વોટિંગ કર્યા બાદ બાવળિયાએ કહ્યું હતું કે, આજનું મતદાન જસદણની જનતા માટે ઐતિહાસિક હશે”. સાથે સાથે તેઓએ જસદણ બેઠકમાં જીતનો રેકોર્ડ ૨૧૦૦૦ છે અને તેને તોડી ૫૧૦૦૦ વોટથી જીત મેળવશે એવો દાવો કર્યો હતો.
જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા છકડો રિક્ષા દ્વારા પોતાની કુળદેવી માતાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ પોતાના પરિવાર સાથે આસલપુરની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પેટા ચૂંટણી માટે કુલ ૨૬૨ મતદાન મથક બનાવવામાં આવ્યા છે અને સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જસદણ વિધાનસભા બેઠક પર કુલ ૨.૩૨ લાખ મતદારો છે, જેમાં ૧,૨૨,૧૮૦ પુરુષ અને ૧,૦૯૯૩૬ મહિલા ઉમેદવાર છે.
આ વિધાનસભા બેઠક પર વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ, કોંગ્રેસ સહિત કુલ ૮ ઉમેદવારો મેદાનમાં છે અને આ તમામ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી થશે.