અમદાવાદ,
ઉત્તરાયણ આડે હજુ પખવાડિયાની વાર છે, ત્યાં અમદાવાદમાં દોરીથી એક યુવકનું ગળું કપાતા મોત નિપજ્યું છે. આ મૃતકની ઉંમર માત્ર 22 વર્ષ છે.
શુક્રવારે સાંજે ઓફિસના કામથી અન્ય કર્મચારીનું એક્ટિવા લઇ સીટીએમ જવા નીકળ્યો હતો. હાટકેશ્વર બ્રિજ સીટીએમ તરફ ઊતરતી વેળા ઓચિંતા જ તેના ગળામાં દોરી આવી ગઇ હતી અને આંખના પલકારામાં દોરીથી ચાકુની જેમ તેનું ગળું કપાઇ ગયું હતુ.
યુવક એક્ટિવા સાથે ફસડાઇ પડ્યો અને ગળે લોહીને રોકવા હાથ મુકીને રોડ પર મદદ માટે ભાગ્યો. કોઈ રિક્ષાચાલકે તેને હોસ્પિટલ ખસેડ્યો. પરંતુ સારવાર મળે તે પહેલાં તેનું મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઇસનપુરમાં એક આધેડ વયની મહિલા ચાલતા પસાર થઇ રહી હતી તે સમયે પતંગની દોરી તેમના કાન પર પડી હતી અને કોઇ વાહન સાથે ખેંચાવાથી મહિલાનો કાન કપાયો હતો. આથી તેને હોસ્પિટલમાં ખસેડાઇ હતી તેમ પણ જાણવા મળ્યું છે.
તો બીજું બાજુ સોલા બ્રિજ પરથી બાઈક પર પસાર થઈ રહેલ અંકિત નામનાં યુવાનના ગળા પર પતંગના દોરાથી ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો છે. દોરીના કારણે યુવાનના ગળા પર ઉંડો ઘા પડી ગયો હતો. પરંતુ સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો.
