રાજકોટ,
રાજ્યમાં ફરી એકવાર આર્થિક ભીંસથી કંટાળેલા ખેડુતે આપઘાત કર્યો છે. રાજકોટના પડધરી તાલુકાના મોટા રામપર ગામમાં ખેડૂતે આપઘાત કર્યો હતો. આ ખેડૂતે જીરૂનો પાક નિષ્ફળ ગયો હોવાથી આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે.
મોડી રાત્રે પોતાના ઘરે ખેડૂતે કેરોસીન છાંટીને સળગી ગયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મોતના પગલે મૃતક ખેડૂતના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.
જો કે ગામના કેટલાંક લોકોનું એમ પણ કહેવું છે કે સવજીભાઇએ ગૃહકંકાસના કારણે આત્મહત્યા કરી છે. પોલિસ આત્મહત્યાનું સાચુ કારણ શોધવા તપાસ શરૂ કરી છે.
સવજીભાઇએ મોડી રાતે પોતાનાં ઘરે જ કેરોસીન છાંટીને આત્મવિલોપન કર્યું હતું.આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
સવજીભાઇની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે ઘરમાં તેમના અંતિમસંસ્કાર કરી શકાય તેટલા પણ પૈસા નહોતા. આથી ગ્રામજનો અને પરિવારજનોએ અંતિમવિધિ માટે પૈસા એકત્ર કરી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા તેવું ગ્રામજનોમાંથી જાણવા મળ્યું હતું.
