મોસ્કો,
એક રશિયન બોગસ તબીબની કેટલીક એવી ચોંકાવનારી વાતો બહાર આવી છે જે સાંભળીને તમારૂ હ્રદય હચમચી જશે.આ રશિયન ડોક્ટર પાસેથી બોગસ તબીબી ડીગ્રીના દસ્તાવેજો મળી આવ્યા હતા, જો કે આ તપાસમાં બીજો જે ખુલાસો થયો તે સૌથી ભયાનક હતો.આ તબીબે 10 વર્ષ પહેલાં હાઇસ્કુલમાં તેની સાથે ભણતા ક્લાસમેટની હત્યા કરી હતી અને તેનું લોહી પીધુ હતું.
રશિયન પોલિસે ચેલાઇબિન્ક્સના યુરલ્સ શહેરમાં રહેતા 36 વર્ષના બોરિસ કોન્દરાશિન નામના ડોક્ટરને પકડ્યો છે.બોરિસ પર ગયા વર્ષના નવેમ્બર મહિનામા નોકરી મેળવવા માટે નકલી ડિગ્રીનો ઉપયોગ કરવાનો આરોપ છે.
પોલિસે કહ્યું કે બોરિસને 2000ની સાલમાં માનસિક સારવાર અપાઇ હતી તેમ છતાં તેણે ડોક્ટર બનવા પ્રયત્ન કર્યો હતો.પોલિસ તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે બોરિસે 1998માં તેની સાથે ભણતા 16 વર્ષના સહઅધ્યાયીને એક નશાભરેલું ઇંજેક્શન આપ્યું હતું અને એ પછી તેની હત્યા કરી તેના શરીરના ટુકડા કરીને લોહી પણ પીધું હતું.
કેટલાંક રશિયન મીડીયાના રિપોર્ટ પ્રમાણે બોરિસ પોતાની જાતને પિચાશ ગણતો હતો.
સ્થાનિક સમાચારપત્રના અહેવાલ પ્રમાણે ઑગસ્ટ 2000માં બોરિસને સ્કિઝોફ્રેનિયાની બીમારી હોવાનું નિદાન થયા બાદ મનોચિકિત્સક હોસ્પિટલમાં તેને બાંધી રાખવામાં આવ્યો હતો.લાંબા સમયની સારવાર બાદ તેને માનસિક રોગની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ પછી બોરિસે ચેલાઇબિન્ક્સની એક હોસ્પિટલમાં તબીબ તરીકેની નોકરી શરૂ કરી હતી.
શહેરના આરોગ્ય વિભાગના વડા, નાતાલિયા ગોર્લોવાએ પત્રકારોને જણાવ્યું હતું કે બોરિસને ચેલાઇબિન્સ્ક ની શહેરની હોસ્પિટલ નં 11ના મેડિકલ પ્રીવેન્શન વિભાગમાં પ્રાથમિક સારવારના ડૉક્ટર તરીકે લેવામાં આવ્યા હતા,ત્યાં તેનું કામ લોકોને ધુમ્રપાન અને કેફી પીણાથી દૂર રહેવા અને કસરત કરવા માટે પ્રોત્સાહિત કરવાનું હતું.
નતાલિયાએ કહ્યું કે બોરિસનું કામ બરોબર હતું પણ તેની પાસે તબીબી પ્રેક્ટીસના પુરાવા નહોતા. નતાલિયાએ કહ્યું કે, હોસ્પિટલ દ્વારા ડિગ્રી તપાસ કર્યા પછી તે બોગસ હોવાથી તેને કાઢી મુકવામાં આવ્યો હતો.
બોરિસની ડોક્ટરની બહેને કહ્યું કે, તેની માતાને ખબર નથી કે તેણે નોકરી મેળવી લીધી છે. તેણે માત્ર હાઇસ્કૂલનું શિક્ષણ લીધું હતું. બોરિસને માનસિક રોગની સારવાર અપાઇ હતી અને એ પછી તે જોખમી નહોતો.
