નવી દિલ્હી,
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. તેઓ ઉત્તરપ્રદેશની તેની પરંપરાગત બેઠક અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ લોકસભા ચૂંટણી લડશે. રવિવારે યોજાયેલી કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ રક્ષા મંત્રી અને કોંગ્રેસ નેતા એ કે એન્ટનીએ આ જાહેરાત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે કેરળના કાર્યકર્તાઓની સતત માગને જોતા તેઓએ અમેઠીની સાથે સાથે વાયનાડથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
Rahul to contest from Wayanad Lok Sabha seat in addition to Amethi
Read @ANI Story| https://t.co/lUnfaasWjV pic.twitter.com/vaNcEVsNwU
— ANI Digital (@ani_digital) March 31, 2019
રવિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એન્ટનીએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી માંગ ઉઠી રહી હતી કે રાહુલ ગાંધી દક્ષિણ ભારતની એક બેઠક પરથી ચૂંટણી લડે. ખાસ કરીને કર્ણાટક, તામિલનાડુ અને કેરળથી સતત આ પ્રકારની માંગ ઉઠી રહી હતી. અંતે રાહુલ ગાંધીએ કાર્યકતાઓ અને પક્ષની માંગને ધ્યાનમાં રાખીને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે. વાયનાડ સીટ, ત્રણ રાજ્યો તમિલનાડુ, કેરળ અને કર્ણાટકથી ઘેરાયેલી હોવાથી ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે.
AK Antony,Congress: Rahul ji has given his consent to contest from two seats, very happy to inform you that he will also contest from Wayanad in Kerala. #LokSabhaElections2019 pic.twitter.com/Rt7IDNxr0D
— ANI (@ANI) March 31, 2019
આ જાહેરાત એ સમયે કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ભારતના પ્રવાસ પર છે. રવિવારે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ હરહંમેશ અમેઠીનું તેનું કાર્યક્ષેત્ર જ ગણાવ્યું છે અને રહેશે પરંતુ દક્ષિણ ભારતમાંથી ઉઠી રહેલી સતત માંગને સ્વીકારતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દક્ષિણ ભારતની વાયનાડ બેઠકનું મહત્વ
કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલા મુજબ વાયનાડ ભૌગોલિક અને સાંસ્કૃતિક દષ્ટિએ અતિ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. વાયનાડ કેરળ, તામિલનાડુ અને કર્ણાટક એવા ત્રણ મુખ્ય પ્રાંતોને જોડતો ત્રિકોણ છે અને તેથી જ રાહુલ ગાંધી અહીંયાથી ત્રણ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરી શકશે.
ત્રણ રાજ્યોમાંથી ચૂંટણી લડવા મળ્યો પ્રસ્તાવ
જણાવી દઇએ કે રાહુલ ગાંધીને ભારતના ત્રણ રાજ્યોમાંથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મળ્યો હતો. કેરળ, તામિલનાડુ અને કર્ણાટકની પ્રદેશ ક્રોંગેસ સમિતિએ રાહુલ ગાંધી અહીંયા કોઇપણ ક્ષેત્રમાંથી ચૂંટણી લડે તેવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓ દાવાઓ કરી રહ્યા છે કે રાહુલ ગાંધી આ કોઇપણ ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે તેમાં તેઓની જંગી બહુમતીથી જીત થશે. સૌથી પહેલા કેરળ કોંગ્રેસે પ્રસ્તાવ પસાર કર્યો હતો અને ત્યાંના નેતાઓએ પણ રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે તેવો દાવો કર્યો હતો.
