મંતવ્ય ન્યૂઝ,
કેશોદ, વિસાવદર બાદ તળાજા માર્કેટિંગ યાર્ડમાં પણ તુવેરના કૌભાંડની ગંધ આવી રહી છે. અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગે 14 એપ્રિલ સુધી ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. જે ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી કરવામાં આવી હોય તે ખેડૂતની ખરીદી કરતાં પહેલા ખેડૂતના તુવેરના જથ્થામાંથી થોડીક તુવેર લઈ એનું સેમ્પલ કરવાનું હોય છે.
સેમ્પલિંગમાં અલગ અલગ 6 પેરામિટર નક્કી કરેલા છે. જો ખેડૂતનું સેમ્પલ મંજૂર થાય પછી જ ખરીદી કરવાની હોય છે. આ સેમ્પલ થઈ ગયા બાદ તેને સીલ કરી સાચવી રાખવાનું હોય છે. પરંતુ ખરીદી પૂર્ણ થયાને 21 દિવસ થઇ ગયા ત્યારે આજે રવિવારે સેમ્પલનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેને લઇ તળાજા માર્કેટિંગ યાર્ડમાં પણ તુવેર કૌભાંડની આશંકા વ્યક્ત કરાઇ છે.
લોકોમાં અનેક સવાલો ઉદભવ્યા: આ સેમ્પલ રોજે રોજ ખરીદી કરતી વખતે સીલ કરી બેગમાં ભરી રાખી દેવાનું હોય ત્યારે આશ્ચર્યની વાત એ છે કે 14/04/2019ના રોજ ખરીદીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ એને આજે 21 દિવસ વીતી ગયા બાદ રવિવારના દિવસે સેમ્પલને સીલ કરવાની કામગીરી ચાલે છે તે સૌથી મોટી શંકા ઉપજાવે છે કે તુવેર કૌભાંડ થયું છે.
21 દિવસ સુધી સેમ્પલ પેક નથી થયા કે નવા સેમ્પલ બનાવી પેક કરવામાં આવે છે? રવિવારે સેમ્પલ પેક કરવાની જરૂરિયાત શા માટે પડી? સહિતના અનેક સવાલો લોકોમાં સતાવી રહ્યા છે. આ અંગેની જાણ થતા જ ખેડૂત આગેવાન પાલ આંબલીયા અને કોંગ્રેસ યુવા નેતા મિલન કુવાડીયા તળાજા પહોંચ્યા છે. હાજર અધિકારીએ સેમ્પલ ખરીદી વખતે થઇ ગયા હતા આજે માત્ર પીન મારી રહ્યા છીએ તેવું જણાવ્યું હતું. પરંતુ નિયમ પ્રમાણે સેમ્પલ લેતી વખતે જ સીલ મારી દેવાનું હોય છે. તેથી હવે કેશોદ જેવું જ વધુ એક કૌંભાડ બહાર આવે તો નવાઇ નહીં.
