મજહબના નામ પર કદી કોઈ મુલ્ક એક રાષ્ટ્ર બની જ ના શકે. જોવામાં આવ્યું છે કે, ધર્મ તે એક અંગત બાબત છે, પરંતુ ભારતમાં ધર્મ તે હંમેશાથી રાજકીય ખીચડી પકવવાનું હાથવગું હથિયાર છે. જેને પગલે દેશમાં જયારે પણ કોઈ નવો કાયદો કે કાનૂન બને છે ત્યારે તેને ધર્મ સાથે જોડીને જ જોવામાં આવે છે અને પછી વિવાદોની એક વણથંભી વણજાર શરુ થાય છે. અસલ મુદ્દો વિસરાઈ જાય છે અને શરુ થાય છે લાગણીઓને બહેકાવવાનો, પંપાળવાનો એક રાજકીય દાવ કે જે બહુ જૂની પુરાની રાજકીય પરમ્પરા રહી છે. અને આ પરમ્પરા પર જ ચુંટણીઓ જીતાય છે અને હરાય પણ છે. ત્યારે હાલમાં જ રજુ કરવામાં આવેલ નાગરિકતા સંશોધન બીલ પણ આવો જ એક ધર્મ આધારિત વિવાદ લઈને આવ્યો છે અને હાલ આસામથી શરુ થયેલ તેનો વિરોધ આજે દિલ્હી સહીત સમગ્ર દેશમાં શરુ થયો છે. ત્યારે સૌ પહેલા તો આ કાયદો છે શું? અને વિવાદિત કેમ બન્યો છે તે જોઈએ તો,
અસલમાં આ વિધેયક નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ ના પ્રાવ્ધાનોને બદલવા રજુ કરવામાં આવ્યું છે. અને તેની જોગવાઈ મુજબ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં થી આવેલ હિન્દુ , જૈન, શીખ, પારસી, બુદ્ધ અને ઇસાઈ ધર્મના લોકો માટે ભારતીય નાગરિકતા મેળવવાના નિયમો આસાન બનાવવામાં આવ્યા છે. તેમજ વધુમાં હાલ કોઇપણ અન્ય દેશના નાગરિકને ભારતની નાગરિકતા મેળવવા માટે પાછલા ૧૧ વર્ષથી સતત અહી રહેલ હોય તે બાબતને અનિવાર્ય બનાવવામાં આવી છે. મતલબ કે, બાંગ્લાદેશી મુસલમાનને અવેધ માનવામાં આવશે પણ અગર તે હિંદુ હશે તો તે ભારતનો વૈધ નાગરિક બની શકશે.
ત્યારે દેશમાં હાલ વિરોધ કરનાર વર્ગના બે ફાંટા પડી ગયા છે. જેમાં આસામ કે જેમને મન ઘુસપેઠિયા તે ઘુસપેઠિયા જ છે જે ચાહે હિંદુ હોય ચાહે મુસલમાન હોય. કેમ કે આસામ માં આ મામલો અસલમાં જરીપુરાનો છે. છેક ૧૯૮૦ માં ઓલ અસમ સ્ટુડન્ટ યુનિયન ની આગેવાનીમાં થયેલ વિધાર્થી આંદોલનમાં આ મુદ્દો મોટા પાયે ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં ૧૯૮૫માં ની અસમ સમજુતીના બે દશક બાદ આખરે ૨૦૦૫ માં કેન્દ્ર સરકાર , રાજ્ય સરકાર અને આસુ ના નાગરિકો વચ્ચે એક દસ્તાવેજ પર સંમતી સાધવામાં આવી હતી. જે મુજબ ૧૯૭૧ પછી આવેલા બધા જ શરણાર્થીઓને પરત મોકલવાનો નિર્ણય થયો હતો. વળી આ મામલે પૂર્વોત્તરના લોકો તેમ પણ માની રહ્યા છે કે , આટલા જંગી પ્રમાણમાં લોકોના આવવાથી આ ક્ષેત્રની સંસ્કૃતિક ઓળખ જ ખતમ થઇ જશે. અહીના લોકોનું અસ્ત્વીતવ જ જોખમાઈ જશે.
અને આ જ કારણોસર દેશના આ પટ્ટા વિરોધની શરૂઆત થઇ હતી. જેમાં દેશના વિધાર્થી યુનિયનો ભળતા મામલો દિલ્હીથી લઇ અમદાવાદ સુધી પહોચ્યો છે. જામિયા મિલિયા યુનિવર્સીટી ના વિધાર્થી સાથેના ઘર્ષણના કારણે આ મામલો વધુ બીચકયો છે. જો કે, અમદાવાદમાં આ મામલે શાહઆલમ માં જે બન્યું તે એક વિચાર માંગતી ઘટના છે. પોલીસ પર જે પ્રકારે હુમલો થયો તે અને જે પત્થરબાઝી થઇ તે ઘટના જ ક્યાંક બતાવી જાય છે કે કેટલાક તત્વો રાજ્ય સામે પણ દ્રોહ કરી શકે છે. પ્રિપ્લાન ઘટના હોવાનો ઇનકાર કરી શકાય તેમ નથી. આટલા જંગી પ્રમાણમાં પત્થરો આવ્યા ક્યાંથી? ટોળાની આટલી હિંમત ક્યાં થી મળી કે, પોલીસ પર હુમલો કરે જેવા સવાલો તો ઉભા જ છે. કાશ્મીર સ્ટાઈલથી મો એ રૂમાલ બાંધી કરવામાં આવેલ આ પત્થરબાઝી બાંગ્લાદેશીઓ ઘુષણખોરો ને જોખમરૂપ સાબિત કરી જાય છે.
વિશેષમાં આ અંગે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાના જણાવ્યા અનુસાર, વિભાજન સમયે ભારતમાં અલ્પસંખ્યક મુસલમાન, શીખ, જૈન, પારસી, અને ઈસાઈ અલ્પસંખ્યક હતા. તો પાકિસ્તાનમાં હિન્દુ , સીખ, જૈન, પારસી અને જૈન અલ્પસંખ્યક હતા અને આ અલ્પસંખ્યકો ની રક્ષા માટે નહેરુ-લિયાકત અલી વચ્ચે સમજુતી થઇ હતી. પરંતુ આજે સ્થિતિ તે છે કે ભારતનો મુસ્લિમ ભારતમાં અન્ય ભારતીયોની જેમ જ અહી રહે છે. અને એક સારી જીંદગી જીવે છે .
તેમજ ઉડીને આંખે વળગે તેવી બાબત તે પણ છે કે, પાછલા કેટલાક વર્ષોમાં શીખ, જૈન, અને બુદ્ધના પ્રમાણ માં મુસ્લિમ વસ્તીમાં વધારો ૨૪ % જેટલો વધુ છે . અન્યથા નેશનલ એવરેજ ૧૮ % જેટલી છે. ૧૯૯૧ માં મુસ્લિમો નું પ્રમાણ ૧૨.૬ % હતું. જે ૨૦૧૧ માં વધીને ૨૪.૬ % જેટલું થવા પામ્યું છે. એટલે કે એટલો ગ્રોથ રેટ છે.
જયારે કે, પાકિસ્તાનમાં ૧૯૪૭ માં ભાગલા વખતે હિંદુઓ અલ્પસંખ્યક નું પ્રમાણ લગભગ ૨૩ % ની ઉપર હતું. જે ૨૦૧૧ માં ઘટીને ૩.૭ % થઇ ગયું છે. બાંગ્લાદેશમાં ૨૨ % જેટલા હિંદુ અલ્પ્સંખ્યક હતા જે ૭.૮ % થઇ ગયા. ત્યારે તે બાબત વિચારણાલાયક છે કે ક્યાં ચાલ્યા ગયા આ લોકો? વળી પેપરમાં હિંદુ અલ્પસંખ્યક પરના જુલ્મોની કહાની પ્રસિદ્ધ થતી જ રહે છે. ત્યારે આ સ્થિતિ માં તમે કઈ નહિ તો એક વાત તો કહી જ શકો કે, આ લાચાર, બેબસ અને દબાયેલા –કચડાયેલા હિન્દુઓનો હાથ પકડનાર પણ કોઈક તો જોઈએ ને? કોણ બચાવશે આ લોકો ને? પાકિસ્તાન ની સ્થાપના તો ધર્મ આધારિત થઇ છે તો ત્યાના મુસ્લિમો ની ભારતે ચિંતા કરવાની જરૂર નથી.
વળી હાલ ભારત માં વસી રહેલ મુસ્લિમો માટે આમાં ક્યાય ચિંતા નો સવાલ નથી. તેઓ જેમ રહેતા હતા તેમ જ રહેશે. જે લોકો પીડિત છે તેમને જે તે દેશનો બહુમતી વર્ગ સમાવેશ કરે તેમાં ખોટું તો કઈ નથી. ત્યારે અહી સવાલ એક જ છે અને તે છે હિંદુ લઘુમતી પીડિતો નો કે જેમના માટે ભારત તેમને વસાવવા એક વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે. અને વળી ઓલરેડી ભારત-પાકિસ્તાન ના ભાગલા ધર્મના નામે થયેલા જ છે. અને આજે પણ અહી લઘુમતીઓ પાકિસ્તાન કરતા ક્યાય સુરક્ષિત છે તે એક નગ્ન સચ્ચાઈ છે. ત્યારે આ બિલનો વિરોધ આસામ માં અલગ કારણો થી થઇ રહ્યો છે. પૂર્વોત્તરના કારણો અલગ છે. ત્યારે વિધાર્થી સંગઠનો એ પણ થોડું વિચારવાની જરૂર છે. ભારત તે કોઈ બોડીબામણી નું ખેતર નથી જ્યાં લોકો મનફાવે તેમ આવી વસે. આખરે પોલીસી બનાવવાનો દરેક દેશને એક અધિકાર હોય છે.
પીડિત આખરે પીડિત જ હોય છે. જો કે આ કાયદાને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો છે ત્યારે હજુ તે જોવાનું રહે છે કે, સુપ્રીમ આ મામલે શું ફેસલો આપે છે. તેમજ એક બાબત તે પણ છે કે, ભારતમાં આ ત્રણેય દેશમાંથી આવનાર હિંદુઓ કે અન્ય લઘુમતીઓ એક લીમીટ માત્રામાં આવી અટકી જશે. કેમ કે તેમની સંખ્યા ત્યાં હવે તેટલી જ છે તેનાથી આગળ ના હોઈ શકે. જયારે મુસ્લિમ રાષ્ટ્રોમાંથી આવનારા લોકો માટે જોગવાઈ ના કરવામાં આવે તો તેની કોઈ લીમીટ ના રહે. મતલબ આ પ્રક્રિયા નિતાંત ચાલુ રહેશે તે પણ સમજવું જ રહ્યું.
@ પત્રકાર – કટાર લેખીકા, રીના બ્રહ્મભટ્ટની કલમથી……………….
