લાહોર હાઈકોર્ટે સોમવારે વિશેષ અદાલતને ‘ગેરબંધારણીય’ ગણાવી હતી, જેણે પાકિસ્તાનના ભૂતપૂર્વ સૈન્ય સરમુખત્યાર જનરલ (નિવૃત્ત) પરવેઝ મુશર્રફને દેશદ્રોહના દોષિત ઠેરવીને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. લાહોર હાઇકોર્ટે મુશર્રફ દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી બાદ આ નિર્ણય આપ્યો હતો. આમાં મુશર્રફે તેમને આપવામાં આવેલી ફાંસીની સજાને પડકારતાં વિશેષ અદાલતની રચના અંગે સવાલ ઉઠાવ્યા હતા.
કોર્ટે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કાયદા મુજબ ચાલ્યો ન હતો. 17 ડિસેમ્બર 2019 ના રોજ આ કેસમાં વિશેષ અદાલતે મુશર્રફને ફાંસીની સજા સંભળાવી હતી. આ કેસ તત્કાલીન પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) સરકારે 2013 માં દાખલ કર્યો હતો.
મુશર્રફે પોતાની અરજીમાં લાહોર હાઈકોર્ટને વિનંતી કરી હતી કે તે વિશેષ અદાલતનો નિર્ણય ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે અને બંધારણની જોગવાઈઓ વિરુધ્ધ અધિકારક્ષેત્રની બહાર જવાનો નિર્ણય જાહેર કરે. મુશર્રફની અરજી પર ન્યાયાધીશ સૈયદ મઝહર અલી અકબર નકવી, જસ્ટિસ મોહમ્મદ અમીર ભટ્ટી અને જસ્ટિસ મસૂદ જહાંગીરે મુશર્રફની અરજી પર સુનાવણી કરી હતી.
કોર્ટના અગાઉના આદેશ હેઠળ એડિશનલ એટર્ની જનરલ ઇશ્તિયાક એ. ખાને સોમવારે સંઘીય સરકાર વતી હાજર રહેતી વિશેષ અદાલતની રચના સંબંધિત રેકોર્ડ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે મુશર્રફ વિરુદ્ધનો કેસ ક્યારેય કેબિનેટની કોઈપણ બેઠકના એજન્ડામાં નહોતો. તેમણે કહ્યું, ‘એ હકીકત છે કે કેબિનેટની મંજૂરી વિના મુશર્રફ વિરુદ્ધ કેસની સુનાવણી માટે વિશેષ અદાલતની રચના કરવામાં આવી હતી.’
નવેમ્બર 2007 માં મુશર્રફ પર દેશમાં કટોકટી લાદવાની બંધારણની જોગવાઈથી આગળ વધવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. ખંડપીઠે પણ ઇમરજન્સી લાદતા બંધારણને સ્થગિત કરવા માનવું જોઇએ કે નહીં તે અંગે વિચારણા કરી હતી. આ મુદ્દે જસ્ટીસ નકવીએ ટિપ્પણી કરી હતી કે, “ઇમર્જન્સી બંધારણનો એક ભાગ છે.” એડિશનલ એટર્ની જનરલે એમ પણ કહ્યું હતું કે કટોકટી લાદવી તે બંધારણ હેઠળ હતી.
તેમણે કહ્યું કે, બંધારણના 18 મા સુધારા હેઠળ કટોકટી લાદવાને ગુનો જાહેર કરાયો હતો, પરંતુ આ સુધારો પછી આવ્યો. તો આ સુધારા પહેલાં લાદવામાં આવેલી કટોકટીને આ કેવી રીતે લાગુ થઈ શકે. કોર્ટે બંધારણની કલમ 6 માં કરેલા આ સુધારાને પણ અમાન્ય જાહેર કર્યા હતા.
કોર્ટે કહ્યું કે સુનાવણી આરોપી (મુશર્રફ) ની ગેરહાજરીમાં કરવામાં આવી હતી, જેને કાયદાકીય રીતે યોગ્ય કહી શકાય નહીં. વળી, વિશેષ અદાલતની રચનામાં, જેમાં આ સુનાવણી થઈ હતી, તેમાં કાનૂની ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
