હદ બહારનું લાંબુ ચોમાસુ જોયા બાદ ગુજરાત આ વખતે મોડે શરૂ થયેલો શિયાળો પણ કાતિલ માત્રામાં અનુભવી રહ્યું છે. ઠંડા પવનો સાથે થર્મોમીટરનો પારો નવી નીચલી સપાટીએ આવતો નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે જ હવામાન વિભાગની વધુ એક આગાહી, રાજ્યની જનતાને વધુ ધાબળા અને શાલ કાઢવા મજબૂર કરશે એવું લાગે છે. ગુજરાતે હજુ વધુ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહવું પડશે કારણ કે, ઉત્તરની હિમવર્ષા મેદાની પ્રદેશોને થીજવશે અને આગામી 3 દિવસ રાજ્યમાં કોલ્ડવેવ અનુભવવામાં આવશે.
રાજ્યના કોલ્ડ સેન્ટર એવા નલિયામાં પારો છેક, 3.4 ડિગ્રી સુધી ગગડી ગયો છે. સૌરાષ્ટ્રના રંગીલા શહેર રાજકોટમાં પણ ઠંડીએ હદ વટાવી દીધી છે. રાજકોટમાં પારો છેક 7.6 ડિગ્રી સુધી ગગડી ગયો છે.આ તરફ કચ્છના ભૂજમાં પણ પારો 8.7 ડિગ્રી સુધી ગગડી જતા કચ્છીમાંડુઓ ભારે ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છે.
આશ્ચર્યજનક રીતે મધ્યગુજરાતના વડોદરામાં પણ પારો 10 ડિગ્રીની અંદર ઉતરી ગયો છે. વડોદરામાં પારો 9.8 ડિગ્રી સુધી ગગડી ગયો છે. તો ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ પણ છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે ઠંડા વાયરાનો સામનો કરી રહી છે અહીં પણ લઘુત્તમ તાપમાન 10.7 ડિગ્રી જેટલું નોંધાયું. સુરતમાં પણ સ્થિતિ કંઈક આવી જ છે. અહીં પણ સામાન્ય કરતાં ઘણું ઓછું તાપમાન જોવા મળ્યું. લઘુત્તમ તાપમાન સુરતમાં 12.6 ડિગ્રી સુધી ગગડી ગયું.
ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે સમગ્ર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને કાતીલ ઠંડીની આગાહી કરી છે. ત્યારે તની અસરો ગુજરાતમાં પણ બરાબર વર્તાય રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
