વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ડેમોક્રેટિક પાર્ટીનાં નેતા જો બિડનને અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવ્યા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે યુએસ ઉપરાષ્ટ્રપતિનાં કાર્યકાળ દરમિયાન ભારત-અમેરિકન સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેનાં તેમના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં યુ.એસ.નાં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસને પણ અભિનંદન પાઠવ્યા અને તેમની જીતને ભારતીય-અમેરિકનો માટે ગર્વની વાત ગણાવી.

વડા પ્રધાને કહ્યું, ‘જો બિડન, તમારી જીત બદલ તમને અભિનંદન. ઉપરાષ્ટ્રપતિ તરીકે, ભારત-યુએસ સંબંધોને મજબૂત બનાવવા માટે તમારું યોગદાન નોંધપાત્ર અને અમૂલ્ય હતું. ભારત-અમેરિકાનાં સંબંધોને વધુ ઉંચાઈ પર લઈ જવા માટે હું ફરી એકવાર સાથે મળીને કામ કરવા ઉત્સુક છું. તેમણે કહ્યું, ‘કમલા હેરિસ, તમને શુભકામનાઓ. તમારી જીત માર્ગદર્શક છે અને તે બધા ભારતીય-અમેરિકનો માટે પણ ગૌરવની વાત છે.’
Congratulations @JoeBiden on your spectacular victory! As the VP, your contribution to strengthening Indo-US relations was critical and invaluable. I look forward to working closely together once again to take India-US relations to greater heights. pic.twitter.com/yAOCEcs9bN
— Narendra Modi (@narendramodi) November 7, 2020
આપને જણાવી દઈએ કે, લગભગ પાંચ દાયકાથી અમેરિકન રાજકારણમાં સક્રિય રહેલા જો બિડને સૌથી ઓછી વયનાં સેનેટરથી લઈને અમેરિકાનાં સૌથી વધુ ઉંમરનાં રાષ્ટ્રપતિ સુધીની શાનદાર સફર કરીને શનિવારે ઇતિહાસ રચ્યો હતો. 77 વર્ષનાં બિડન છ વખત સેનેટર રહ્યા હતા અને હવે ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને દેશનાં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. એવું નથી કે તેમણે આ સફળતા પોતાના પ્રથમ પ્રયાસમાં હાંસલ કરી છે. બિડન 1988 અને 2008 માં રાષ્ટ્રપતિ પદની રેસમાં નિષ્ફળ ગયા હતા.
