અન્ડરવર્લ્ડ ડૉન અને ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમની ભારત ખાતે આવેલી કેટલીક મિલકત નું હરાજી દ્વારા વેચાણ કરવામાં આવ્યું છે. જેમાં રત્નાગિરિના મુંમ્બકે ગામમાંના વારસામાં મળેલા ઘર સહિત છ મિલકતનું લિલામ સ્મગલર્સ ઍન્ડ ફોરેન એક્સચેન્જ મૅનિપ્યુલેટર્સ ઍક્ટ (સાફેમા) હેઠળ સંબંધિત ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું હતું. દિલ્હીના બે એડ્વોકેટે આ પ્રોપર્ટી ખરીદી હોવાનું સાફેમાએ જણાવ્યું હતું.
નરિમાન પૉઈન્ટ સ્થિત સંબંધિત એજન્સીની ઑફિસમાં હાથ ધરાયેલા વર્ચ્યુઅલ ઑક્શનમાં દિલ્હીના વકીલ ભૂપેન્દ્ર ભારદ્વાજે ચાર મિલકત ખરીદી હતી, જ્યારે અન્ય બે પ્રોપર્ટી વકીલ અજય શ્રીવાસ્તવે ખરીદી હતી. સાફેમાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ લિલામને ઉત્કૃષ્ટ પ્રતિસાદ મળ્યો હતો. રત્નાગિરિ અને ગોરેગામની છ મિલકત વેચાઈ હતી.
સૌથી મોટી બોલી બે મિલકત માટે બોલાઈ હતી. આ બે પ્રોપર્ટીમાં ૧.૩૯ લાખની નિર્ધારિત કિંમત સામે ૪.૩ લાખ અને ૫.૩૫ લાખની નિર્ધારિત કિંમત સામે ૧૧.૨૦ લાખ રૂપિયા આવ્યા હતા. બાકીની પ્રોપર્ટી તેની નિર્ધારિત કિંમતમાં જ વેચાઈ હતી, એવું અધિકારીનું કહેવું છે.
અધિકારીના જણાવ્યા મુજબ ખેડ તાલુકાના મુંમ્બકે ગામમાં આવેલી અન્ડરવર્લ્ડ ડૉનની પૈતૃક મિલકત ‘ઈબ્રાહિમ મેન્શન’ દિલ્હીના વકીલ અજય શ્રીવાસ્તવે ૧૧.૨૦ લાખ રૂપિયામાં ખરીદી હતી. ૧૯૮૩માં મુંબઈમાં આવવા પહેલાં દાઉદનો પરિવાર આ ઘરમાં રહેતો હતો.
આ ઘર સિવાય શ્રીવાસ્તવે દાઉદની માતા અમીના બી અને બહેન હસીના પારકરના નામે રહેલી પચીસ ગુંઠા જમીન ૪.૩૦ લાખ રૂપિયામાં ખરીદી હતી. શ્રીવાસ્તવે અગાઉ પણ દાઉદની મિલકતના લિલામમાં ભાગ લીધો હતો અને એક ઈન્ડસ્ટ્રિયલ પ્લૉટ ખરીદ્યો હતો. ત્યાર બાદ એડ્વોકેટે જણાવ્યું હતું કે ડૉનના સાગરીતો દ્વારા તેમને અનેક વાર ધમકી આપવામાં આવી હતી.
રત્નાગિરિ જિલ્લાના લોટે ગામમાં આવેલો દાઉદ ઈબ્રાહિમનો એક પ્લૉટ કેટલાંક ટેક્નિકલ કારણોસર અધિકારીઓએ લિલામમાંથી બાકાત રાખ્યો હતો. વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ પબ્લિક ઑક્શન, ઈ-ઑક્શન અને ટેન્ડર એમ ત્રણેય પદ્ધતિથી અમે પ્રોપર્ટીનું લિલામ કરીએ છીએ, પરંતુ કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખી સુરક્ષાનાં કારણોસર આ વખતે થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. જાહેર લિલામને બદલે અમે વર્ચ્યુઅલ પબ્લિક ઑક્શનો વિકલ્પ પસંદ કર્યો હતો.
ગૅન્ગસ્ટર ઈકબાલ મિરચીના માલિકીના મિલ્ટરન એપાર્ટમેન્ટ માટે અનેક લોકોએ પૂછપરછ કરી હતી, પરંતુ તેના માટે કોઈએ બોલી લગાવી નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દાઉદની ત્રણ પ્રોપર્ટી શબનમ ગેસ્ટ હાઉસ, હોટેલ રોનક અફરોઝ અને ડામરવાલા બિલ્ડિંગમાંની છ રૂમનું અગાઉ ૧૧.૫૮ કરોડ રૂપિયામાં લિલામ કરાયું હતું.
