ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યના પહેરવેશને લઇને હંગામો મચ્યો. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાં ગૃહમાં ટીશર્ટ પહેરીને આવતાં અધ્યક્ષે તેમને ટકોર કરીને ગૃહ બહાર જઇને પહેરવેશ બદલીને ગૃહમાં આવવાનો આદેશ કર્યો હતો. ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્યને ટકોર કરતાં કહયુ કે.,ગૃહનું સન્માન જળવાય તેવા વસ્ત્રો પહેરો. એક તબક્કે આ મામલે બોલાચાલી ઉગ્ર બનતાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સાર્જન્ટ બોલાવી વિમલ ચુડાસમાને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા.

આ મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં નિવેદન આપતાં કહયુ હતુ કે સભાગૃહમાં ડ્રેસ પહેરવાને લઇને નિયમો બનેલા છે. વિમલ ચુડાસમાએ અભ્યક્ષના આદેશનો અનાદર કર્યો છે.જેથી તેમને ૩ દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે.તો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે અધ્યક્ષ સાથે દલીલ કરતાં કહયુ કે ચુડાસમાને સસ્પેન્ડ કરવા એ તમામ સભ્યોનું અપમાન છે. આ હંગામા વચ્ચે કોગ્રેસે આક્ષેપ કરતાં કહયુ કે અધ્યક્ષ ભાજપના ધારાસભ્યોને કંઇ કહેતા નથી.આ મામલે પરેશ ધાનાણી અને અધ્યક્ષ વચ્ચે પણ દલીલ થઇ હતી.
આ અંગે વિમલ ચુડાસમાએ મિડીયા સાથે વાત કરતાં કહયુ કે મે અધ્યક્ષને વિનંતી કરી કે હું સાડા ત્રણ વર્ષથી ગૃહમાં ટી-શર્ટ પહેરીને આવુ છું પણ મને કોઇ વાર ટકોર કરવામાં આવી નથી. મને જીન્સ અને ટી-શર્ટમાં જ લોકો પસંદ કરે છે. કોંગ્રેસ પક્ષે પણ જીન્સ અને ટી-શર્ટમાં જ મને ટિકીટ આપી હતી. મારૂ ફિટનેશ સારૂ છે અને મારી પાસે જીન્સ અને ટી-શર્ટ સિવાય કોઇ કપડાં જ નથી. વ્યક્તિ આ ૨૧મી સદીમાં જીન્સ અને ટી-શર્ટ ન પહેરે તો શું પહેરે. મે અધ્યક્ષશ્રીને એવી પણ વિનંતી કરી કે તમે કોઇ એવો કાયદો બનાવો કે આવા જ કપડાં પહેરીને ગૃહમાં આવવું. જેને ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો પાલન કરે. તે પાલન કરવા માટે હુ પણ તૈયાર છું.

એક તબક્કે ટી-શર્ટને લઇને ગૃહમાં મચેલા હંગામા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ‘અધ્યક્ષ તેરી દાદાગીરી નહી ચલેગી’ના નારા લગાવવાનું શરૂ કરી દેતા આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ વચ્ચે પડવું પડ્યું. વિજયરૂપાણીએ કહ્યુ કે ગૃહમાં અગાઉ પણ કપડાંની બાબતને લઇને વિમલભાઇને ટોકવામાં આવ્યા છે. એવું નથી કે ગૃહમાં માત્ર તેમને જ ટોકવામાં આવ્યા છે. અધ્યક્ષે અગાઉ જયેશ રાદડીયાને પણ ટોક્યા છે. વિજય રૂપાણીએ કહ્યુ કે ગૃહમાં યોગ્ય વસ્ત્રો પહેરવામાં આવે તે જરૂરી છે.

તો આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કહ્યુ કે ગૃહનું સન્માન જળવાય તે જરૂરી છે.અધ્યક્ષની સુચના પછી દલીલ ન થઇ શકે. અધ્યક્ષ જે રૂલિંગ આપે તે વણ લખેલો નિયમ છે. અને વિમલ ચુડાસમાએ અધ્યક્ષ સાથે ચડભડ કરી છે. આ અંગે ગૃહમાં લાંબો સમય હંગામો મચ્યા બાદ આખરે વિમલ ચુડાસમાને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત CM એ પરત ખેંચી છે.
