એક તરફ દેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇ અને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચડસાચડસીના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેની વચ્ચે ભાજપ 22 માર્ચે લોકસભામાં કોઈ મોટું બિલ લાવી શકે છે. ભાજપે 22 માર્ચ માટે વ્હિપ જાહેર કરીને પોતાના તમામ સાંસદોને હાજર રહેવા આદેશ કર્યો છે. આ માટે ભાજપ દ્વારા કોઇ નવા-જુની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. કોઈ પણ પાર્ટી દ્વારા મહત્વના બિલ કે ચર્ચાને ધ્યાનમાં રાખીને જ વ્હિપ જાહેર કરવામાં આવતું હોય છે.સૂત્રોનું કહેવું છે કે સરકાર હાલ ઇંફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ માટે નવી બેંક બનાવવા સાથે સંકળાયેલ બિલ લાવી શકે છે. આ ઉપરાંત 2 અન્ય બિલ લાવવાની તૈયારી છે. રાજકીય વર્તુળોમાં આ કારણથી અવનવી અટકળો થઈ રહી છે પરંતુ તે અંગે હજુ સ્પષ્ટતા જોવા મળી રહી નથી.
આ અંગે સૂત્રો પાસેથી વિગતવાર પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાજપના સાંસદ રાકેશ સિંહ દ્રારા જાહેર ત્રણ લાઇનના વ્હિપમાં કહેવામાં આવ્યું છે કે ’22 માર્ચના રોજ લોકસભામાં કેટલાક અતિ મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા તથા મંજૂર કરવા માટે લાવવામાં આવશે. એવામાં પાર્ટીના તમામ લોકસભા સાંસદોને 22 માર્ચના રોજ આખો દિવસ સદનમાં અનિવાર્ય રૂપથી હાજર રહીને સરકારના પક્ષમાં મતદાન કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.આ અંગે એવી અટકળો થઈ રહી છે કે કેંદ્રીય કેબિનેટે ડેવલોપમેંટ ફાઇનાન્સ ઇંસ્ટિટ્યૂશન (DFI) સાથે જોડાયેલા ખરડાને મંજૂરી આપી છે. એવામાં નેશનલ બેંકની માફક કામ કરનાર આ ઇંસ્ટિટ્યૂશન મોટા ઇંફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ફંડિંગ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં એવી બેંક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જે ઇંફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ કરશે, સરકાર હવે આ બેંકો માટે બિલ લાવી શકે છે.
આ ઉપરાંત લોકસભામાં ભાજપના એક સાંસદે વધતી જતી વસ્તીને દેશ સમક્ષ ગંભીર સંકટ ગણાવતા કેંદ્ર સરકાર વસ્તી નિયંત્રણ કાનૂન બનાવવાની માંગ કરી છે. આજે શનિવારે શૂન્યકાળ દરમિયાન આ મુદ્દાને ઉઠાવતાં ભાજપ સાંસદ સંજય સેઠે કહ્યું કે દેશમાં વધતી જતી વસ્તી મોટું સંકટ છે. માટે સરકારને દેશમાં જનસંખ્યા કંટ્રોલ કાનૂન લાવવો જોઇએ. દેશમાં બે બાળકોના માપદંડને લાગૂ કરવો જોઇએ. તેનું ઉલ્લંઘન કરનારને સરકારી સુવિધાઓ ના આપવા અને ચૂંટણી લડવામાંથી બાકાત રાખવા સહિતની જોગવાઈ કરવી જોઈએ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
