વર્ષ 2004ના ઇશરત જહાં એન્કાઉન્ટર કેસના મામલે આજે સીબીઆઈ કોર્ટે મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. સ્પેશિયલ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેસમાંથી મુક્તિ મેળવવા માટેની અરજી સીબીઆઈ કોર્ટમાં કરવામાં આવી હતી તે અરજીને કોર્ટે મંજુર કરી દીધી છે.
સ્પેશિયલ બ્રાન્ચના તરુણ બારોટ , જીએસ. સિંઘલ સહિતના ત્રણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સીબીઆઈ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી મુકવામાં આવી હતી. જેમાં તેમના વતી એવી રજુઆત કરાઈ હતી કે વર્ષ 2004 દરમિયાન તેમને આઈબીના ઇનપુટ મળ્યા હતા કે આતંકી સંગઠન લશ્કરે તયબ્બાના કેટલાક આતંકીઓ અમદાવાદમાં આવવાના છે અને તેઓ અમદાવાદમાં કોઈ દેશ વિરોધી પ્રવુત્તિને અંજામ આપવાના છે. આ ઇનપુટ પ્રાપ્ત થયા બાદ સ્પેસિયલ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાકાબંધી વધારી દઈને શંકાસ્પદ ગાડીઓ ઉપર વોચ રાખી રહ્યા હતા ત્યારે નારોલ સર્કલ પાસેથી એક મરૂન કલરની ઇન્ડિકા કાર ત્યાંથી પસાર થઇ રહી હતી. તે કારને પોલીસ જવાનોએ અટકાવતા અંદર બેઠેલા ડ્રાયવરે કારને રોકવાની બદલે પુરઝડપે કાર હંકારી હતી. જેથી પોલીસ જવાનોએ તે કારનો પીછો કરતા કાર ચાલકે ઇન્ડિકા કારને કોતરપુર વોટર વર્ક્સ પાસે લઇ ગયો હતો. જ્યાં જઈને ગાડીમાં હાજર ચાર આતંકીઓની પોલીસ જવાનો સાથે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ચારેય આતંકીઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મરનાર ચારેય જણામાંથી એક મહિલા હતી જેનું નામ ઇશરત જહાં હતું. આ ચારેય આતંકીઓ દેશ વિરોધી પ્રવુત્તિને અંજામ આપવાના હતા અને તેઓ તેમના મનસૂબામાં સફળ થાય તે પહેલા જ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર મામલામાં કોઈ વેરભાવ કે કોઈ દુશ્મની કાઢવામાં આવી નહતી એટલુંજ નહિ આ એન્કાઉન્ટર જાણી જોઈને કે પછી પ્રસિદ્ધિ હાસિલ કરવા માટે કરવામાં આવ્યું નહતું. ફક્ત ને ફક્ત જે પરિસ્થિતિ તે વખતે સર્જાય હતી તે પરિસ્થિતિ મુજબ કાયદા અને મર્યાદામાં રહીને કાર્યવાહી કરવામાં આવી હતી.જેથી સ્પેશિયલ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની સામે જે નકલી એન્કાઉન્ટરનો દાગ લાગ્યો છે તે ખરેખર દૂર થવો જોઈએ. અને તેમને કેસમાંથી મુક્ત કરવા જોઈએ કેમકે તેઓ સંપૂર્ણ પણે નિર્દોષ છે.
આમ, સીબીઆઈ કોર્ટે તરુણ બારોટ, જીએસ,સિંઘલ સહિતના ત્રણેય ઉચ્ચ અધિકારીઓની ડિસ્ચાર્જ અરજી મામલે થયેલી દલીલો અને પુરાવાને ચકાસ્યા બાદ અને ઇશરત જહાંના તરફથી રજૂ થયેલા વકીલની દલીલોને સાંભળ્યા બાદ નામદાર કોર્ટે ત્રણેય અધિકારીઓને કેસમાંથી મુક્ત કરવાનો આદેશ જારી કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે ત્રણેય અધિકારીઓએ તે વખતે કાયદા અને મર્યાદામાં રહીને કામગીરી કરી હતી. એટલુંજ નહિ ઇશરત જહાં આતંકી નહતી આ વાતને તદ્દન સ્વીકારી શકાય નહિ.
