લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
શિરીષ / Albizzia lebbek / Black Siris / Frywood Tree / Parrot Tree
ખુબ જુના જમાનાનું આ જૂનું અને જાણીતું વૃક્ષ એટલે શિરીષ. ઘણું જૂનું ગણાય પરંતુ તેની સુવાસ અને સુંદર ઘટાના કારણે આજે પણ એટલુંજ પ્રચલિત વૃક્ષ છે અને ખાસ કરીને વિશાળ બગીચામાં તે પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તમે ચાલતા ચાલતા જતા હોવ અને એકાએક સુગંધથી તમે ધ્યાનભગ્ન થઇ ઊંચે જુવો તો અચૂક તે શિરીષનું વૃક્ષ હોય! માદક અને સુંઘયાજ કરો તેવી નશો ચઢે તેવી સુવાસ અને મનબદનમાં તરબતર પ્રસ્સન્નતા વ્યાપી જાય! તેનાથી પણ વધારે રૂપાળું રેસાવાળું મુલાયમ રેસાદાર ફુલ હોય છે જે આછા પીળાશ અને સફેદીવાળા રંગના રુંવાટાવાળા હોય છે. આખેઆખું વૃક્ષ ફૂલોથી લદાઈ જાય છે. જો તેના ઔષધીય ગુણોની વાત કરીએ તો અધધધ કહી શકાય તેવું સર્વગુણ સંપ્પન વૃક્ષ છે.

આ વૃક્ષના અભ્યાસુ ઈટાલીના બોટોનીસ્ટ શ્રી અલઝબીઝિ ના નામ ઉપરથી ૧૮મી સદીમાં તેનું ઇંગલિશ નામ Albizzia પડેલું છે. ટ્રોપિકલ/ ઉષ્ણકટિબદ્ધ એવા ભારત, એશિયા અને આફ્રિકાના ગરમ પ્રદેશમાં અને અમેરિકાના ગરમ ભાગમાં ખુબ સારી રીતે ઉગે છે. શ્રીલંકા, ચીન, મલેશિયા અને બર્મા પણ તેટલુંજ પ્રચલિત છે.

૨૦ મીટર જેટલી સારી ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને કથ્થઈ ભૂખરા રંગની થોડીક નાની નાની તિરાડ પડેલી શાખાઓથી ઘટાદાર વૃક્ષ બને છે. આ ઊંચાઈ અને ઘટાના કારણે ફૂલોની માદક સુવાસ ખુબ લાંબા અંતર સુધી પહોંચે છે. પિસ્તાઈ રંગના ૨.૫ થી ૪ સેન્ટિમીટર લાંબા પત્તા હોય અને તેવા પત્તાની પાતળી ડાળીમાં બે બાજુ એક સામે એક પત્તુ લાગીને ૧૦ થી ૧૫ સેન્ટિમીટરની પાતળી ડાળીનું એક ઝુમખું બને અને તેવા ૫ થી ૯ ઝુમખા ભેગા થઇ એક ડાળખી બને. ડાળખીના છેવાડે ૪ સેન્ટિમીટર જેટલા લાંબા ચમકીલા ૨ થી ૪ ફુલ ઝૂમખામાં સાથે ઉગે. નાના બાળકને પાવડર લગાવવા માટે જે રૂંવાદાર પફ આવતું તેવા પફવાળું લિસ્સું, સુંવાળું અને દેખાવડું ફુલ હોય છે. રાત્રે ફુલ ખીલે અને સવારે આખી જમીન ખરેલા ફૂલોની ચાદરથી મઢાઈ ગયી હોય. એક વાર સૂંઘો પછી જગ્યા છોડવાનું અઘરું બની જાય છે! પાંદડા શિયાળો પૂરો થતાં ખરી જાય છે અને વસંતથી નવી ફૂટ બેસે છે. મે મહિનાથી ઓગસ્ટ મહિનામાં તેમાં ફૂલો બેસે છે. સપ્ટેમ્બર મહિનાથી નવેમ્બર મહિનામાં તેમાં બીયા બેસે છે. તેની સૂકી બીયા ભરેલી સોનેરી જેવા રંગની સીંગો દૂરદૂરથી દેખાય છે જે બીજા વર્ષે પણ દેખાય અને જયારે પણ પવન વાય ત્યારે સીંગોમાંથી બિયાના લીધે ખણખણતા અવાજ નીકળે. લીસ્સા અને ચમકતા ૪ થી ૧૨ બીજ એક સીંગમાંથી નીકળે છે.

આ વૃક્ષની એક કુદરતી ખામી છે. તેના મૂળિયાં ખુબ ઊંડે સુધી નથી જતા અને માટે પવનની આંધીમાં તે ઉખડી પાડવાનો ભય રહે છે. આ વૃક્ષ પ્રકારના ઔષધીય ગુણોથી ભરપુર છે. કેટલાક ભયાનક અને કેટલાક અસાધ્ય રોગોમાં કામયાબ ઈલાજ આપે છે. ઘરરખ્ખુ ઉપાયો માટે પણ પ્રચલિત ગણાય. તેના ફુલ, બીજ, છાલ, પત્તા અને મૂળિયામાંથી વિવિધ પ્રકારની કેટકેટલી દવાઓ બને છે. ખાસ કરીને ઘૂંટણ ના દર્દમાં તેના પત્તાનો ઉપયોગ થાય છે અને તેમાં માદક ગુણ હોઈ અનિદ્રાના રોગ માટે એટલેકે ઊંઘ લાવવાનો કાઢો બનાવવા માટે વપરાય છે અને તણાવ દૂર કરે છે. પેટમાં પાણી ભરાઈ જવાના જલોધર જેવા તેમજ લીવર/ યકૃતના અઘરા રોગમાં ઉપયોગી બની રહે છે. કેન્સર રોગની પણ કેટલીક દવાઓ બનાવવાના કામમાં આવે છે.

હોર્મોન્સને માપસર/ બેલેન્સ રાખવા માટેની દવા પણ બને અને ચેતાતંત્ર/ નર્વ્ઝ માટેની દવા પણ બને છે. શ્વાસોશ્વાસની માંદગી અને ખાંસીની દવામાં અને નસકોરા બોલતા હોય તો અટકાવવા માટેની દવા બનાવવા માટે વપરાય છે. પાચનક્રિયા અને આંતરડાના રોગમાં તેની છાલમાંથી બનેલો પાવડર કારગર ઈલાજ બની રહે છે. તેની છાલમાંથી ચામડી ઉપર આવતા સોજા ઉતારવાનું મલમ બને છે તેમજ સોરાયસીસ રોગ અને બાહ્ય સોજા આવ્યા હોય તે માટે કામમાં આવે છે. તેના એન્ટીઓક્સિડન્ટ કમ્પાઉન્ડના ગુણને લીધે લોહીમાંના કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવાની દવા બને છે. વ્યક્તિ બેભાન બની જાય તો શિરીષના બીજને વાટીને બકરીના દૂધમાં ઉકાળીને પાવાથી દવા તરીકે કામ આવે છે. વારેવારે પેશાબ કરવા જવું પડે તો તેના પાંદડાનો કાઢો બનાવી પીવાથી રાહત થાય છે. બહેનોને માસિકના દુખાવા અને તકલીફમાં છાલમાંથી ઉકાળો બનાવી પીવડાવવામાં આવે છે. આમ વિવિધ પ્રકારની દવા બનતી હોઈ, ઔષધીય ખેતી કરનારાઓ માટે ખુબજ માનીતું વૃક્ષ છે. આ વૃક્ષ ઝડપથી ઉગે છે અને લગભગ ૨૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે.
(ફોટો: લેખક)
આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
