રવિવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. રવિવારે ચૂંટણીના મહાસંગ્રામમાં 11 વોર્ડની 44 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 99 વર્ષીય માતા હીરા બા પણ પોતાનો મતાધિકાર ચૂક્યા ન હતા. તેમણે ગાંધીનગરના રાયસણના વોર્ડ નંબર 10માં આવેલા મતદાન મથક-6 ના રૂમ નંબર ચારમાં મતદાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પરિવાર સહિત મતદાન કર્યું હતું. તેમના મતદાન કરવાના સમાચાર હોવાથી પોલીસ દ્વારા પણ મતદાન મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, 2019માં પણ ગુજરાતમાં જે મતદાન થયું હતુ. તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા મતદાન કરવા પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીના માતા હીરા બાબીજા દીકરા પંકજ મોદી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રાયસણ મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.
શતાયુ મતદાતા તરફ પહોંચી રહેલા હીરા બા ક્યારેય વોટિંગ કરવાનુ ચૂકતા નથી. વિધાનસભા હોય કે કોઇપણ ચૂંટણી, તેઓ હંમેશા મતદાન કરીને તેમના જેવા તથા યુવાનોને પ્રોત્સાહિત કરે છે.
નોટબંધી સમયે પણ તેઓ બેંકની લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. ત્યારે આજે પણ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
અત્યારસુધી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. કુલ 2.82 લાખ મતદારો પોતાનો મત આપવાના છે અને તેના માટે 284 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. 284 પૈકી 144 મતદાન મથક સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ સંવેદનશીલ મતદાન મથકની જવાબદારી ખાસ સ્થાનિક પોલીસની સાથે SRPFના જવાનોને સોંપવામાં આવી છે.

ગુજરાતમાં ક્યાં યોજાઈ રહ્યું છે મતદાન
ગાંધીનગર મનપાની સામાન્ય ચૂંટણી, બનાસકાંઠાની થરા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. આ સાથે અમદાવાદ મનપાની 2 અને જૂનાગઢ મનપાની 1 બેઠકની પેટા ચૂંટણી અને રાજ્યની અન્ય 5 નગરપાલિકાઓની 9 બેઠકોની પેટાચૂંટણી માટે પણ આજે મતદાન યોજાઇ રહ્યુ છે
