ટેસ્ટ શ્રેણી બાદ હવે વનડે શ્રેણી પણ હાથમાંથી નીકળી ગઈ છે. સુકાની કેએલ રાહુલના નેતૃત્વમાં છેલ્લી મેચમાં શું બદલાવ આવે છે, તે જોવાનું રહેશે. કારણ કે બંને મેચમાં ભારતનો બેટિંગ અને બોલિંગ ઓર્ડર નિષ્ફળ સાબિત થયો છે.ભારતને જીતવા માટે288 રનની જરૂર હતી પરતું 283 રન બનાવી ટીમ ઇન્ડિયા ઓલઆઉટ થઇ ગઇ, ભારતની ટીમ 3-0થી સીરિઝ હારી ગઇ.
કેપટાઉનમાં રમાયેલી છેલ્લી ODIમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ચાર રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 49.5 ઓવરમાં 287 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 49.2 ઓવરમાં 283 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.
એક સમયે ટીમ ઈન્ડિયાએ 223 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ દીપક ચહરે 34 બોલમાં 54 રનની ઇનિંગ રમીને ભારતીય ટીમને મેચમાં વાપસી કરાવી હતી. તેણે જસપ્રિત બુમરાહ સાથે 55 રનની ભાગીદારી રમી હતી. 278 રનમાં તેની વિકેટ પડી અને ટીમ ઈન્ડિયાની આશા પણ ખતમ થઈ ગઈ. ભારત તરફથી દીપક ઉપરાંત શિખર ધવને 61 રન અને વિરાટ કોહલીએ 65 રન બનાવ્યા હતા.
આ શ્રેણી સહિત, બંને ટીમો વચ્ચે કુલ 14 ODI શ્રેણી રમાઈ છે. તેમાંથી દક્ષિણ આફ્રિકાએ છ શ્રેણી જીતી છે. આ સાથે જ આઠ શ્રેણી પર ભારતનો કબજો રહ્યો છે.
ભારતે દક્ષિણ આફ્રિકાની ધરતી પર આ શ્રેણી સહિત છ વનડે શ્રેણી રમી છે. તેમાંથી દક્ષિણ આફ્રિકાએ ચાર શ્રેણી જીતી છે, જ્યારે ભારતે એક શ્રેણી પર કબજો કર્યો છે. ટીમ ઈન્ડિયાએ 2018માં દક્ષિણ આફ્રિકાને 5-1થી હરાવ્યું હતું.
કેએલ રાહુલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાની આ સતત ચોથી હાર છે. આ ત્રણ વન-ડે પહેલા રાહુલે જોહાનિસબર્ગની બીજી ટેસ્ટમાં પણ કેપ્ટનશીપ કરી હતી અને તેમાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ભારતીય ટીમની છ મેચોમાં આ સતત પાંચમી હાર છે. પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને આગામી પાંચમાં માત્ર હાર જ મળી છે.
