ભારતના પાંચ રાજ્યમાં ચૂંટણી બ્યુગલ વાગી ગયું છે ત્યારે પંજાબમાં હજુપણ કોંગ્રેસના નેતાઓના એવા નિવેદન સામે આવે છે જેના લીધે પાર્ટીમાં વિખવાદ વધી શકે છે. રાજ્યમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે રણજીત સિંહ ચન્નીને જાહેર કર્યા બાદ સિદ્વુ અને તેમના સાથીઓને આ પસંદ આવ્યુ નથી તેથી વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે. કોંગ્રેસે ભલે ચરણજીત સિંહ ચન્નીને પંજાબમાં પોતાનો સીએમ ચહેરો જાહેર કર્યો હોય પરંતુ નવજોત સિંહ સિદ્ધુ હજુ પણ ચર્ચાનું કેન્દ્ર બનેલા છે. લુધિયાણાના કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને લઈને મોટું નિવેદન આપ્યું છે. બિટ્ટુએ કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુને સુપર સીએમ પદ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે નવજોત સિંહ સિદ્ધુના સીએમ ચહેરો ન બનવાના કારણે તેમના પરિવારનું દર્દ ફરી ફરી રહ્યું છે. પત્ની નવજોત કૌર સિદ્ધુ બાદ પુત્રી રાબિયા સિદ્ધુએ ચરણજીત સિંહ ચન્ની અને હાઈકમાન્ડ પર નિશાન સાધ્યું હતું. ચન્નીને સીએમ ફેસ તરીકે જાહેર કરવાના પ્રશ્ન પર રાબિયાએ કહ્યું કે કદાચ હાઈકમાન્ડની કોઈ મજબૂરી હશે પણ તમે ઈમાનદાર માણસને લાંબો સમય રોકી નહીં શકો પણ અપ્રમાણિક માણસે આખરે રોકવું જ પડશે.
સિદ્ધુની પત્ની નવજોત કૌરે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે રાહુલ ગાંધીને પંજાબના મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરવામાં ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે સીએમ પદ માટે તેમના પતિ એકમાત્ર લાયક દાવેદાર છે. ચન્નીને મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરવા માટે રાહુલ ગાંધીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીની ખુરશી માટે નામની જાહેરાત કરતા પહેલા ઉમેદવારનું શિક્ષણ, પ્રામાણિકતા અને પક્ષ પ્રત્યેનું સમર્પણ જોવું જોઈતું હતું.જ્યારે રવનીત સિંહ બિટ્ટુને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો નવજોત સિંહ સિદ્ધુને કયું પદ આપશે. આના પર તેમણે કહ્યું કે તેમને સુપર સીએમ પદ આપવામાં આવશે.
