ટીમ ઈન્ડિયાએ T20 શ્રેણીની બીજી મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફથી શ્રેયસ અય્યરે તોફાની અડધી સદી ફટકારી હતી. આ સાથે જ રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસને પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.
શ્રીલંકાએ આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન રોહિત શર્મા માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે ઓપનર ઈશાન કિશન પણ માત્ર 16 રન બનાવી શક્યો હતો. આ પછી શ્રેયસ અય્યર અને સંજુ સેમસન વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. આ બંને ખેલાડીઓએ ભારતીય ટીમના સ્કોરને 100 રનની પાર પહોંચાડી દીધો હતો. આ પછી સંજુ આઉટ થઈ ગયો. તેણે 25 બોલમાં 39 રન બનાવ્યા હતા. સેમસનની ઇનિંગમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા.
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ માટે ઓપનર ખેલાડી પથુમ નિસાન્કાએ જોરદાર ઇનિંગ રમી હતી. તેણે 53 બોલમાં 75 રન બનાવ્યા હતા. નિસાંકાની ઇનિંગમાં 11 ચોગ્ગા સામેલ હતા. આ સાથે જ કેપ્ટન શંકાએ તોફાની ઇનિંગ રમી હતી. તે 19 બોલમાં 47 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓપનર ગુણાથિલકાએ સારું યોગદાન આપ્યું હતું. તેણે 29 બોલમાં 38 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈપણ ખેલાડી કંઈ ખાસ કરી શક્યો નહોતો.
ટીમ ઈન્ડિયા માટે જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે સારી બોલિંગ કરી હતી. બુમરાહે 4 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી. તે જ સમયે, ચહલે 4 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ લીધી હતી. તેમની સાથે ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા અને હર્ષલ પટેલને પણ એક-એક વિકેટ મળી હતી.
