assembly election results 2022/ ગોવા,મણિપુર,ઉત્તરપ્રદેશના ચૂંટણી પરિણામથી શિવસેનાની હાલત દયનીય, NOTA કરતા પણ ઓછા વોટ મળ્યા

ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે ગોવા, ઉત્તર પ્રદેશ, મણિપુરમાં શિવસેનાને NOTA કરતા ઓછા મત મળ્યા છે

Top Stories India

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ પણ શિવસેનાને ખુલ્લી પાડી દીધી છે. ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે ગોવા, ઉત્તર પ્રદેશ, મણિપુરમાં શિવસેનાને NOTA કરતા ઓછા મત મળ્યા છે. NCP અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં સત્તામાં રહેલી શિવસેનાએ આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તેનો પરાજય થયો હતો.

ગોવામાં શિવસેનાએ 10 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. દરેક ઉમેદવારની સ્થિતિ અતિ દયનીય જોવા મળી હતી . Cortalim (55 મતો), Quepem (66), Vasco-da-Gama (71) અને Sanquelim (99), સેનાના ઉમેદવારોને 100થી ઓછા મત મળ્યા. ગોવામાં NOTAને કુલ મતદાનના 1.12 ટકા મત મળ્યા છે જ્યારે શિવસેનાને માત્ર 0.18 ટકા મત મળ્યા છે.

મણિપુરમાં શિવસેનાએ છ બેઠકો પર ચૂંટણી લડી હતી. પૂર્વોત્તર રાજ્યમાં NOTAને 0.54 ટકા વોટ મળ્યા જ્યારે શિવસેનાને 0.34 ટકા વોટ મળ્યા. ઉત્તર પ્રદેશમાં ગુરુવાર સાંજ સુધી શિવસેનાને 0.03 ટકા વોટ મળ્યા જ્યારે NOTAને 0.69 ટકા વોટ મળ્યા. તેના નિરાશાજનક પ્રદર્શન અંગે, શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું હતું કે તેમની પાર્ટીને NOTA કરતા ઓછા મત મળ્યા કારણ કે તેની પાસે (ચલણી) નોટોની અછત હતી.

સંજય રાઉતે કહ્યું કે શિવસેનાને NOTA કરતા ઓછા મત મળ્યા કારણ કે અમે ભાજપ દ્વારા ઉપયોગમાં લેવાતી ‘નોટ’ મેનેજ કરી શક્યા નથી. છતાં અમે ગોવા અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડ્યા. અમારી લડાઈ ચાલુ રહેશે. જીત કે હાર એ અંત નથી, શરૂઆત છે. અમે કામ કરવાનું ચાલુ રાખીશું.