દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. અનરાધાર વરસી રહેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદથી જીલ્લામાં જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. કાવેરી, અંબિકા અને પુર્ણા નદીમાં ઘોડાપુર આવ્યુ છે. પુર્ણા નદીના પાણી શહેરોમાં ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના કારણે તમામને સલામત સ્થળે ખસેડાયા છે. નદી કાંઠે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે વાપી શામળાજી હાઈવે પર પાણી ભરાયા હતા. તો સાથે જ વાંસદાના ખંભાળીયા નજીક પણ પાણી ભરાયા હતા. વરસાદી પાણી રસ્તાઓ પર ભરાઈ જવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવસારીમાં ભારે વરસાદથી જિલ્લામાં પુરની સ્થિતિ જોવા મળી. નવસારી જિલ્લાની પુર્ણા, અંબિકા અને કાવેરી નદી ગાંડીતુર બની. ત્રણેય નદી હાલ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. નવસારી શહેરમાં ભારે પુરની શકયતા જોવા મળી રહી છે. વરસાદી માહોલને કારણે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ પર રાખવામાં આવ્યું.

પૂર્ણા નદીની જળસપાટી વધતા નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. જેમાં 150 ઘર પાણીમાં ગરકાવ થતા લોકોને સલામત સ્થળોએ ખસેડાયા છે. નવસારી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 50 હજારથી વધારે લોકો પૂરની સ્થિતિના કારણે પ્રભાવિત થયા છે.

નવસારીની પૂર્ણા નદીમાં જળસ્તર વધતા સ્વપ્નલોક સોસાયટીમાં પાણી ભરાયા હતા. નવસારીના સંખ્યાબંધ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ચાર દિવસથી ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. નવસારીના વાંસદા તાલુકામાં ભારે વરસાદથી ઉનાઈના મુખ્ય માર્ગો પર ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે. વાંસદા તાલુકામાં 24 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસતા નદીઓ અને ચેકડેમોમાં પાણીની આવક વધી છે.


Gujarat/ વરસાદ પછી સાફસફાઇ અને પાણીના નિકાલની વ્યવસ્થા માટે રાજય સરકારે જાહેર કરી સહાય
