ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજ્કીય પાર્ટીઓ સક્રીય રીતે તાડમાર તૈયારીઓમાં લાગી ગયા છે. રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે એવા સમયે કોંગ્રેસની હાલત ખુબ કફોડી બની છે સતત કોંગ્રેસના નેતાઓ રાજીનામું આપી રહ્યા છે, એક સાંધે છે ત્યાં તેર તૂટવા જેવો ઘાટ બન્યો છે. કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. સુરેન્દ્રનગરના શહેર કોંગ્રેસ પ્રમુખે ગીરીરાજસિંહ ઝાલાએ રાજીનામું ધરી દીધું છે.
ગુજરાતમાં રાહુલ ગાંધીના આગમન પહેલા ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ વિશ્વજિતસિંહ વાઘેલાએ રાજીનામું ધરી દીધું હતું અને એક બાદ એક યુવાનેતાએ રાજીનામાં ધરી દીધા હતા. હવે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસના અધ્યક્ષ ગીરીરાજસિંહ ઝાલાએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું ધરી દીધું છે.
રાજીનામાંમાં ગિરિરાજસિંહ ઝાલાએ બીમારીનું કારણ દર્શાવ્યું છે. તેમણે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મુક્ત કરવા વિનંતી કરી કહ્યું હતું કે, ઘણા સમયથી મારી તબિયત સારી રહેતી નથી હું પાર્ટીની જવાબદારી નિભાવી શકતો નથી. હું પાર્ટી સાથે 35 વર્ષથી વફાદારી કરતો આવ્યો છું આજે પણ કરતો રહીશ. નવા ચહેરાને તક આપશો તેને મારો પૂરતો સાથ રહેશે.
