શુક્રવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મોટી સફળતા મળી છે. તમામ ધમકીઓને અવગણીને રાષ્ટ્રપતિએ યુક્રેનના ચાર શહેરોને રશિયામાં સત્તાવાર રીતે સામેલ કરવા માટે સંધિ પર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે ક્રેમલિનમાં એક મોટા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. યુક્રેન સાથે 200 દિવસથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધની વચ્ચે આ જાહેરાત શા માટે મહત્વપૂર્ણ છે? કયા ચાર શહેરો હવે રશિયાનો ભાગ બનશે? શું આ જાહેરાતથી દુનિયાનો નકશો બદલાઈ જશે? યુક્રેન પર આની શું અસર થશે? એવા ઘણા બધા સવાલો થવા સ્વાભાવિક છે.
સૌથી પહેલા જાણી લો પુતિનના હસ્તાક્ષરથી શું બદલાશે? વિલીનીકરણ સમારોહમાં રશિયન રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કર્યા પછી, યુક્રેનના ચાર શહેર, લુહાન્સ્ક, ડોન્સ્ક, ઝાપોરિઝ્ઝ્યા, ખેરસન હવેથી રશિયાનો ભાગ બનશે. મતલબ કે આ ચાર શહેરોમાં રહેતા લોકો પણ હવેથી રશિયન નાગરિક હશે. ત્રણ દિવસ પહેલા રશિયાએ આ ક્ષેત્રમાં ‘જનમત’ યોજ્યો હતો, જેને યુક્રેન સહિતના પશ્ચિમી દેશોએ ખોટી કવાયત ગણાવી હતી. આ નિર્ણય બાદ લડત વધુ ઉગ્ર બનવાનું લગભગ નક્કી છે. આ નિર્ણય એટલા માટે પણ મહત્વનો છે કારણ કે આંતરરાષ્ટ્રીય કાયદા, પુતિને પશ્ચિમી દેશોની નારાજગીને નકારી કાઢતા આ જાહેરાત કરી છે. આ એક નિર્ણયને કારણે અચાનક આ ચાર શહેરોની લગભગ 88 લાખ વસ્તી હવે રશિયન બની ગઈ છે.
