Mehsana News: મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. મૂળ વિજાપુરનો અને અમદાવાદના નરોડામાં રહેતો એક વ્યક્તિ કોઈપણ પ્રકારની માહિતી વિના ઘરેથી ગુમ થઈ ગયો હતો. પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સાબરમતી પોલીસને પુલ પરથી એક વ્યક્તિની લાશ મળી આવતાં પરિવારજનોએ તેના પુત્રનો હોવાનું માનીને તેના અંતિમસંસ્કાર કરી દીધા હતા અને બેસણું પણ રાખ્યું હતું, જોકે, બીજા દિવસે જ્યારે આ વ્યક્તિ ઘરે પરત ફર્યો તો બધાને આશ્ચર્ય થયું.
આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, વિજાપુરની પ્રભુનગર સોસાયટીમાં રહેતા સુથાર પરિવારનો પુત્ર બ્રિજેશ અમદાવાદના નરોડામાં રહેતો હતો અને શેરબજારનો ધંધો કરતો હતો. 27 ઓક્ટોબરના રોજ તે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો અને પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો અને બ્રિજેશના પરિવારને તેની ઓળખ માટે જાણ કરી હતી. પરિવાર અમદાવાદ પહોંચ્યો અને મૃતદેહને જોયા બાદ તેઓએ આ શખ્સને પોતાના પુત્ર તરીકે ઓળખાવ્યો અને મૃતદેહને ઘરે લાવીને અગ્નિસંસ્કાર કર્યો.
આ પછી, પરિવારના સભ્યોએ 14 નવેમ્બરે વિજાપુરમાં બ્રિજેશ સુથાર માટે બેસણું રાખ્યું હતું, જો કે, જ્યારે ગુમ થયેલ બ્રિજેશ સુથાર 15 નવેમ્બરના રોજ ઘરે પરત ફર્યો તો સૌકોઈ ચોકી ઊઠ્યા હતા. બ્રિજેશને જોતાં અગ્નિસંસ્કાર કોના કર્યા એ અંગે હાલમાં પરિવાર પણ વિમાસણમાં મુકાયો છે. ત્યારે હવે પોલીસે પણ અંતિમસંસ્કાર કોના થયા એની તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર મામલે પોલીસની ભૂલ કહો કે મૃતદેહની ઓળખ કરનાર પરિવારજનોની, પરંતુ હવે સવાલ એ ઊભો થયો છે કે સુથાર પરિવાર દ્વારા કોના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ બ્રિજેશ સુથારની માતા પણ માને છે કે પોલીસકર્મીઓ અને અમારા જમાઈઓએ ભૂલ કરી છે. આ ઘટના અંગે પરિવારજનો પણ મુંઝવણમાં છે. ગુમ થયા બાદ જીવિત ઘરે પરત ફરેલા યુવક બ્રિજેશ સુથારની માતાએ જણાવ્યું કે 27મીએ જમ્યા બાદ ઘરેથી નીકળ્યા બાદ તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. બે દિવસ પછી જમાઈએ વાત કરતાં તેણે નરોડા પોલીસને જાણ કરી હતી.
ઘણા દિવસો સુધી શોધ્યા પછી પણ જ્યારે તે ન મળ્યો તો FIR દાખલ કરવામાં આવી. 10મીએ પોલીસ બોલાવતાં તેઓએ મારી પુત્રી અને જમાઈને ફૂલેલી લાશ બતાવી હતી અને મારી પુત્રવધૂ અને જમાઈએ બ્રિજેશની લાશ હોવાનું માની લીધું હતું. ત્યાર બાદ 14મીએ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બીજા દિવસે 15મીએ બ્રિજેશ ઘરે આવ્યો હતો. આમાં પોલીસવાળા અને અમારા ત્રણ જમાઈઓએ ભૂલ કરી છે.
આ પણ વાંચો:કપડા ઓળખીને કર્યા અંતિમ સંસ્કાર, લાશ જોઈને કહ્યું, તેની પત્ની નથી
આ પણ વાંચો:‘પતિની ચિતા પર જ કરજો મારા અંતિમ સંસ્કાર’, કરવા ચોથ પહેલા પતિએ આત્મહત્યા કરતા પત્નીએ પણ પગલું ભર્યુ
