Jagjitsingh dalleval/ જગજિતસિંહ ડલ્લેવાલઃ નવતર કૃષિ આંદોલનના ગાંધીવાદી નેતા

અગાઉના ખેડૂત આંદોલન વખતે સરકારને હચમચાવતા આગેવાન ટિકૈત પછી હવે નવા ખેડૂત આગેવાન તરીકે જગજીતસિંહ ડલ્લેવાલનું નામ ઊભરી આવ્યું છે.

Trending Mantavya Vishesh

અગાઉના ખેડૂત આંદોલન વખતે સરકારને હચમચાવતા આગેવાન ટિકૈત પછી હવે નવા ખેડૂત આગેવાન તરીકે જગજીતસિંહ ડલ્લેવાલનું નામ ઊભરી આવ્યું છે. 70 વર્ષના ખેડૂત આગેવાને કોઈપણ રાજકીય સમર્થન વગર શરૂ કરેલા ખેડૂત આંદોલનને પીએમ મોદી અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહે તેને ગંભીરતાથી લેવું પડ્યું છે. તેમણે પણ રાજકીય સમર્થન વગરના આ ખેડૂત આંદોલનનો તોડ કાઢવા માટે બેઠક કરવી પડી છે.

પંજાબના આ ખેડૂત નેતા અત્યારે આમરણ ઉપવાસ પર ઉતરેલા છે અને તેના કારણે તેમની તબિયત લથડી છે અને ડોક્ટરોએ કહ્યું છે કે આ રીતે જો તેમની તબિયત વગડતી રહેશે તો પછી તેમનું જીવન બચાવવું અઘરું પડશે. સુપ્રીમ કોર્ટે પણ તેની સુધ લઈને તેઓ જ્યાં પંજાબ-હરિયાણા બોર્ડર પર ઉપવાસ પર ઉતર્યા છે ત્યાં જ કામચલાઉ હોસ્પિટલ ઊભી કરવાનો આદેશ આપ્યો છે અને તેમની તબિયતનું સતત મોનિટરિંગ કરવા કહ્યું છે.

આ સમયે કોઈને પણ થાય કે આ ખેડૂત નેતા છે કોણ જેના કારણે પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહથી લઈને સુપ્રીમ કોર્ટ સુદ્ધાએ પણ તેમની સુધ લેવી પડી, જે લગભગ મહિનાથી આમરણ ઉપવાસ પર ઉતર્યા છે.

જગજીતસિંહ ડલ્લેવાલ સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય)ના નેતા છે. તેઓ 26 નવેમ્બરતી આમરણ ઉપવાસ પર છે. કેન્દ્ર પાક પર એમએસપી (લઘુત્તમ સમર્થન મૂલ્ય)ની કાયદાકીય ગેરંટી સહિત આંદોલનકારી ખેડૂતોની બધી માંગ માને તે માટે ઉપવાસ કરી રહ્યા છે.

જગજીતસિંહ ડલ્લેવાલ ભારતીય ખેડૂત સંઘના વડા પણ છે. તે પંજાબના ફરીદકોટના ડલ્લેવાલ ગામના રહેવાસી છે. તેથી તે જગજીતસિંહ ડલ્લેવાલ તરીકે ઓળખાય છે. ખેડૂત કુટુંબમાંથી આવતા ડલ્લેવાલે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પંજાબ યુનિવર્સિટીમાંથી પૂરું કર્યું છે.

તેમની ઓળખ એટલા માટે બની છે કેમકે તેમણે 2022માં જ સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)થી અલગ થઈને ભારતીય ખેડૂત સંઘ નામનું નવું સંગઠન બનાવ્યું હતું. સંયુક્ત કિસાન મોરચે સંગઠને ચૂંટણી લડવાની જાહેરાત કરતા જગજીતસિંહે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે એસકેએમ ખેડૂતોના પ્રશ્નોના તેના મૂળ મુદ્દા પરથી હટી રહ્યુ છે. તેમનું કહેવું હતું કે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડવાના બદલે આ રીતે ચૂંટણીલક્ષી રાજકારણમાં ઝંપલાવવું યોગ્ય નથી. આના પગલે ખેડૂત સંગઠનોના ફાડિયા થઈ ગયા હતા. જગજીતસિંહને કુલ 150થી વધુ ખેડૂત સંગઠનોનું સમર્થન છે. તેઓ જગજીતસિંહને તેમના આગેવાન માને છે.

તેથી જગજીતસિંહની આગેવાની હેઠળનું સંયુક્ત કિસાન યુનિયન સંગઠન બિનરાજકીય છે અને તે કોઈપણ પ્રકારની ચૂંટણી લડવામાં માનતું નથી. તેનો હેતુ ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો છે અને તેના માટે સરકાર પર દબાવ બનાવવાનો છે. તેથી જ તે પંજાબમાં આપની સરકાર સામે જંગે ચઢ્યું છે અને ખેડૂતોના પ્રશ્નોને લઈને દિલ્હીમાં તેણે કેન્દ્ર સરકાર સામે શીંગડા ભેરવ્યા છે.

ડલ્લેવાલનું આ સંગઠન સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય) અને ખેડૂત મજૂર સંગઠનના નેજા હઠળ ખેડૂતો 13 નવેમ્બરથી પંજાબ અને હરિયાણાની વચ્ચે શંભુ બોર્ડર અને ખનૌરી બોર્ડર પર ડેરા નાખીને બેઠેલા છે. ખેડૂતો દિલ્હી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને રોકી દીધા છે. તેના પછી તે બોર્ડર પર જ ધરણા કરવા બેસી ગયા હતા.

જગજિતસિંહ ડલ્લેવાલ ખેડૂત આંદોલનને લઈને એટલા ગંભીર છે કે તેમણે આમરણ ઉપવાસ પર બેસતા પહેલાં જ પોતાની સંપત્તિનો હિસાબ કરીને તેને કુટુંબને સોંપી દીધી છે. ડલ્લેવાલના પુત્ર ગુરપિંદરપાલે જણાવ્યું હતું કે પિતા જગજિતસિંહે તેમને તેમની સંપત્તિમાંથી 4.5 એકર જમીન સોંપી છે. તેના ઉપરાંત તેમની પત્ની હરપ્રીતકૌરના નામે બે એકર અને પૌત્ર જિગરજોતસિંહના નામે 10.5 એકર જમીન કરી છે.

ખેડૂત નેતા જગજિતસિંહ ડલ્લેવાલે કંઈ પહેલી જ વખત આમરણ ઉપવાસ કર્યા છે તેવું નથી. સામાજિક કાર્યકર અણ્ણા હજારેને માનનારા ડલ્લેવાલે આ પહેલા તેમની સાથે 23 માર્ચ 2018માં દિલ્હીમાં પણ ઉપવાસ કર્યા હતા. તે સમયે હજારે લોકપાલ કાયદાને લાવવાની માંગ કરી રહ્યા હતા. આ ઉપરાંત તેમણે કૃષિ સંકટ અને સારી ચૂંટણી પ્રક્રિયાની માંગ કરતાં ઉપવાસ કર્યા હતા.

ડલ્લેવાલે છેલ્લે 8 જૂન 2023ના રોજ ઉપવાસ કર્યા હતા. તે સમયે તેમણે પતિયાલામાં રાજ્ય ઉર્જા કોર્પોરેશન લિમિટેડ (પીએસપીસીએલ)ની મુખ્ય કચેરીની બહાર પ્રદર્શન કર્યુ હતું. ખેડૂત આગેવાને તે સમયે પંજાબની આપ સરકાર સામે 21 માંગ મૂકી હતી.

ખનૌરી બોર્ડર પર ડલ્લેવાલની તબિયતનું ધ્યાન રાખતા ડોક્ટરોએ જણાવ્યું હતું કે ખેડૂત આગેવાને લગભગ મહિનાથી કશું ખાધુ નથી, તેની તબિયત ઘણી નાજુક છે. તેમને હાર્ટએટેક આવવા સહિત શરીરના બીજા કેટલાય અંગે કામ કરવાનું બંધ કરી દે તેવી પ્રબળ સંભાવના છે.

ડોક્ટરે જણાવ્યું હતું કે અમે તેમની તબિયતને ફક્ત દૈનિક ધોરણે જ નહીં પણ દિવસમાં પણ ત્રણ-ત્રણ વખત તપાસીએ છીએ, તેમનું બ્લડપ્રેશર ઘટી ગયું છે. તેમના પગને માલિશ કરવામાં આવી રહી છે. તેમનો જીવ હજી પણ ભયમાં છે. તેમને કોઈપણ સમયે કશું પણ થઈ શકે છે.

અન્ય ખેડૂત આગેવાને પણ જણાવ્યું હતું કે ડલ્લેવાલની તબિયત ઘણી નાજુક છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ન્હાવા માટે વોશરૂમ ગયા અને બહાર આવ્યા તો તેમની તબિયત બગડી ગઈ, તેમને ચક્કર આવ્યા અને તે પડી ગયા. તેમને ઉલ્ટી થઈ અને તે લગભગ દસેક મિનિટ સુધી બેહોશ રહ્યા. ડોક્ટરોએ તેમને સતત માલિશ કરતાં તેમનું બ્લડ પ્રેશર ઊંચું આવ્યું, પરંતુ તેમની તબિયત પર જીવનું જોખમ હજી પણ યથાવત્ છે.

ડલ્લેવાલની સતત બગડતી તબિયતને લઈને સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારની આકરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમે પંજાબ સરકારને આદેશ આપ્યો છે કે તે ઉપવાસ કરી રહેલા ખેડૂત આગેવાન જગજીતસિંહ ડલ્લેવાલ માટે ખનૌરી બોર્ડર પર જ કામચલાઉ હોસ્પિટલ બનાવી તેમને ત્યાં ટ્રાન્સફર કરે, જેથી તેમની તબિયત પર ચોવીસ કલાક નજર રાખી શકાય.

ખેડૂત આગેવાનની તબિયત ઉત્તરોતર વણસતા આંદોલન પણ વધુ તીવ્ર બની રહ્યુ છે. સરકારમાં તેને લઈને બેઠકોનું પ્રમાણ પણ વધી ગયું છે. તેની સાથે ખેડૂતો સાથે તેમની માંગોને લઈને મંત્રણા કરવાનો વિચાર ચાલી રહ્યો છે. હવે સરકાર ખેડૂતોની કઈ માંગ માને છેઅને કઈ માંગ સ્વીકારતી નથી તથા કઈ માંગ પાછી ઠેલે છે તેના પર જ ડલ્લેવાલની તબિયતનો આધાર રહેશે. ડલ્લેવાલ સરકાર પાસે તેમની અમુક માંગ મનાવવામાં પણ સફળ થાય તો તે તેમના ખેડૂત આંદોલનની મોટી સફળતા કહેવાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂત આંદોલન અંગે ગુપ્તચર એલર્ટને કારણે દિલ્હીની ચિંતા વધી, પાંચ રાજ્યોની પોલીસ….

આ પણ વાંચો: ખેડૂત આંદોલનમાં હાઈકોર્ટનું આકરું વલણ, આંદોલનકારી નેતાઓ સહિત બંને રાજ્યોની સરકારની ઝાટકણી કાઢી

આ પણ વાંચો: ખેડૂત આંદોલનને લઈને પંજાબની AAP સરકારે કરી મોટી જાહેરાત, આંદોલન દરમ્યાન મૃત્યુ પામેલા ખેડૂતને 1 કરોડ રૂપિયાનું વળતર, પરિવારના સભ્યને સરકારી નોકરી