Mehsana News:મહેસાણા (Mehsana) અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં કરોડો રૂપિયાના લોન કૌભાંડમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં બેંકના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિનોદ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ રાજ્યના બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો છે.
મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ગાંધીધામ શાખામાં ₹64 કરોડથી વધુનું નાણાકીય કૌભાંડ બહાર આવ્યું છે. સીઆઈડી ક્રાઈમની તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક બેંક અધિકારીઓ અને અન્ય આરોપીઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને છેતરપિંડીથી લોન મંજૂર કરી હતી. આ કૌભાંડમાં ખોટા દસ્તાવેજોના આધારે મંજૂર કરાયેલી લોનથી બેંકને નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું હતું.
આ કેસમાં, વિનોદ પટેલ પર સીઈઓ તરીકેના કાર્યકાળ દરમિયાન નાણાકીય અનિયમિતતાઓને પ્રોત્સાહન આપવા અને લોન મંજૂરીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સમર્થન આપવાનો આરોપ છે. તેમની ધરપકડ અન્ય બેંક અધિકારીઓ અને આરોપીઓ સામે ચાલી રહેલી તપાસનો એક ભાગ છે.
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે આ કેસમાં તપાસ વધુ તીવ્ર બનાવી છે. વિનોદ પટેલની ધરપકડ બાદ, અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. CID ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે બેંક રેકોર્ડ, લોન દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ.” CID એ આ કેસના સંદર્ભમાં બેંકની ગાંધીધામ શાખાના અન્ય ઘણા અધિકારીઓ અને કર્મચારીઓની પણ પૂછપરછ કરી છે. બેંકના ખાતાધારકો અને ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને, તપાસ ઝડપી બનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો:મહેસાણા GIDC ફેક્ટરીમાંથી બાળ શ્રમિકો મળ્યા, માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો:મહેસાણા ઊંઝા APMCમાં ચેરમેન ચૂંટણી આજે, ભાજપના જૂથબંધી વચ્ચે દિનેશ પટેલ દાવેદાર
આ પણ વાંચો:મહેસાણામાં વધુ બે કબૂતરબાજો સામે નોંધાઈ ફરિયાદ,એજન્ટોએ લગાવ્યો લાખ્ખોનો ચૂનો
