@સાગર સંઘાણી
Gujarat News : જામજોધપુર તાલુકાના વીરપર ગામમાં ગઢવી સમાજના માતાજીના હવન પ્રસંગે રવિવારે બપોરે બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું, જેમાં એક યુવાનની હત્યા નિપજી છે, જ્યારે બંને પક્ષને સામસામા હુમલામાં અન્ય ચાર વ્યક્તિ ઘાયલ થઈ છે. પોલીસે બંને પક્ષે સામ સામે ગુનો નોંધ્યો છે, જયારે વિરપર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વીરપર ગામમાં ગઢવી સમાજના માતાજીના હવનનો પ્રસંગે યોજાયો હતો, જે પ્રસંગ દરમિયાન ગઢવી સમાજના બે જૂથ વચ્ચે બોલાચાલી થયા પછી ધીંગાણું ખેલાયું હતું, અને બન્ને પક્ષે સામસામા હુમલા કરાયા હતા. જેમાં બંને પક્ષે પાંચ વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. જે તમામ ઇજાગ્રસ્ત ને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી વીરપર ગામના વતની વીરાભાઈ પાલાભાઈ કાપરીયા નામના યુવાનને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો.
આ ઉપરાંત માંડણભાઈ સામતભાઈ કાપરીયા તેમજ પુનાભાઈ માંડણભાઈ નામના અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે બંનેની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. આ બનાવની જાણ થતાં શેઠ વડાળા અને લાલપુરનો પોલીસ કાફ્લો બનાવના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને બન્ને પક્ષે સામ સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક જૂથ દ્વારા હત્યા તેમજ હત્યા પ્રયાસ અંગે ફરિયાદ નોંધાવી છે, જયારે સામા પક્ષે હત્યા પ્રયાસ અંગેની ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી છે, જયારે વીરપર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:અધીરને ખડગેની ચેતવણીથી બંગાળના કાર્યકરો નારાજ, કોંગ્રેસ અધ્યક્ષના ફોટા પર પૌત્રીએ શાહી લગાવી
આ પણ વાંચો:પતંજલિની સોનપાપડીના સેમ્પલ પણ ફેલ, રામદેવ હવે શું કરશે?
આ પણ વાંચો:અટાલા મસ્જિદ કે મંદિર? 22મીએ થશે સુનાવણી, જાણો શું છે આખો વિવાદ