Gujarat News : 1 જાન્યુઆરી 2025થી ગુજરાતમાં નવા વર્ષ સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ-વાવને નવો જિલ્લો બનાવવાની મંજૂરી મળી છે, જેમાં થરાદને જિલ્લાની મુખ્ય મથક તરીકે જાહેર કરવામાં આવ્યો. આ નિર્ણયથી વહીવટી કાર્યમાં સરળતા આવશે અને વિકાસને દિશા મળશે. આ નવા જિલ્લામાં 8 તાલુકા, જેમ કે વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ, થરાદ જિલ્લામાં જોડાવા પામશે.
મહાનગરપાલિકાની રચના માટે 9 નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/વઢવાણ, મોરબી, પોરબંદર/છાયા, અને ગાંધીધામનો સમાવેશ થાય છે. આ જાહેર કરેલા નગરપાલિકાઓની નવા નોટિફિકેશન પણ પ્રસિદ્ધ થવા જઈ રહી છે.
ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ – ૦૮ મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જુનાગઢ મહાનગરપાલિકાની વર્ષ ૨૦૦૨માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ ૨૦૧૦માં રચના કરવામાં આવેલી છે. ત્યારબાદ લગભગ ૧૪ વર્ષ બાદ આ નવી ૯ મહાનગરપાલિકાઓની રચના થઈ રહી છે. આના પરિણામે રાજ્યમાં હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતા બે ગણી એટલે કે ૧૭ મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે. ગુજરાતના શહેરી વિકાસમાં આ એક ઐતિહાસિક ઘટના છે તેનો વિશેષ ઉલ્લેખ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એ કર્યો હતો. આ સંદર્ભમાં આ ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાં હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા ૧૭ અને નગરપાલિકાઓની સંખ્યા ૧૪૯ થશે.
નીતિ આયોગની ‘સિટીઝ એઝ એન્જિન્સ ઓફ ગ્રોથ’ સંકલ્પના સાર્થક કરવા પ્રમાણમાં મોટા શહેરી વિસ્તારોનું ભવિષ્યલક્ષી આયોજન અને સુચારૂ વહીવટતંત્ર સ્થાપી શકાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓની રચના કરીને તેમાં વિકાસલક્ષી કામો અને વહીવટીતંત્રમાં અસરકારકતા તેમજ પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવી છે.
રાજ્યમંત્રી મંડળના નિર્ણય અનુસાર નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નવસારી મહાનગરપાલિકા બનશે. ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને ગાંધીધામ મહાનગરપાલિકા બનશે. મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને મોરબી મહાનગરપાલિકા બનશે. વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને વાપી મહાનગરપાલિકા બનશે. આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને આણંદ મહાનગરપાલિકા બનશે.
મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવિષ્ટ થઇને મહેસાણા મહાનગરપાલિકા બનશે. સુરેન્દ્રનગર/ દૂધરેજ/ વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે. પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને પોરબંદર મહાનગરપાલિકા બનશે. નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નડિયાદ મહાનગરપાલિકા બનશે.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી
આ પણ વાંચો: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે વીજ સુવિધામાં વધારો
