ઇમર્જિંગ એશિયા કપ 2023માં, ભારતીય ટીમે તેના વિજેતા અભિયાનને ચાલુ રાખતા, પાકિસ્તાન-A ટીમ સામે 8 વિકેટે વિજય નોંધાવ્યો હતો. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારત-એ ટીમને 206 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટસમેન સાઈ સુદર્શનની 104 રનની શાનદાર ઈનિંગના આધારે આસાનીથી હાંસલ કરી લીધો હતો. હવે ભારતીય ટીમ 21 જુલાઇએ બાંગ્લાદેશ-A ટીમ સામે સેમિફાઇનલ મેચ રમશે.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન-A ટીમ 48 ઓવરમાં 205 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. આ પછી, સાઈ સુદર્શન અને અભિષેક શર્માની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી, લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય-A ટીમને શાનદાર શરૂઆત અપાવી. આ મેચમાં અભિષેક 20 રનની ઇનિંગ રમીને મુબાસિર ખાનનો શિકાર બન્યો હતો.અભિષેક શર્માના પેવેલિયનમાં પરત ફર્યા બાદ સાઈ સુદર્શનને નિકિન જોશનો ટેકો મળ્યો અને બંનેએ દાવને આગળ લઈ જવાની પ્રક્રિયા ચાલુ રાખી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 99 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. આ મેચમાં 53 રનની શાનદાર ઇનિંગ રમીને નિકિન મેહરાન મુમતાઝનો શિકાર બન્યો હતો.
અહીંથી સાઈ સુદર્શને સુકાની યશ ધુલ સાથે મળીને ટીમને વધુ આંચકો ન પડવા દીધો અને 8 વિકેટે જીત મેળવીને વાપસી કરી. સાઈ સુદર્શને 110 બોલમાં 104 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી આ મેચમાં મુબાસિર ખાન અને મેહરાન મુમતાઝને 1-1 વિકેટ મળી હતી.આ મેચમાં પાકિસ્તાની ઇનિંગ્સની વાત કરીએ તો તે ભારતીય બોલિંગ આક્રમણ સામે સંપૂર્ણ રીતે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. આ મેચમાં 78ના સ્કોર સુધી પાકિસ્તાની ટીમ પોતાની અડધી ટીમ ગુમાવી ચૂકી હતી. આ પછી કાસિમ અકરમના 48, મુબાસિર ખાનના 28 અને મેહરાન મુમતાઝના 25 રનની મદદથી ટીમ 205ના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. ભારતની બોલિંગમાં રાજવર્ધન હંગરગેકરે 5 જ્યારે માનવ સુથારે 3 વિકેટ જ્યારે રિયાન પરાગ અને નિશાંત સિંધુએ 1-1 વિકેટ ઝડપી હતી.
