Kheda: ખેડા જિલ્લાના નડિયાદમાં લઠ્ઠાકાંડમાં ત્રણના મોત થયા હોવાનું મનાતું હતું તેમા નવો ફણગો ફૂટ્યો છે. ખેડા પોલીસનું કહેવું છે કે લઠ્ઠાકાંડ થયો જ નથી. ત્રણેય જણના મૃત્યુ લઠ્ઠાકાંડથી નહીં પણ ઝેરી પદાર્થથી (Poisonous drink) થયા હતા. જીરા સોડા પીધા બાદ ત્રણેયની તબિયત લથડી હોવાનું એસપીએ જણાવ્યું હતું.
મૃતકના બ્લડ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. તેમા લઠ્ઠાકાંડ માટેના જવાબદાર તત્વ મિથેનોલની હાજરી જોવા મળી નથી. મૃતક કનુભાઈ જીરા સોડા લઈ આવ્યા હતા. કનુભાઈએ લાવેલી જીરા સોડા ત્રણેયે પીધી હતી. જીરા સોડાની બોટલમાં દ્રવ્યના સેવનથી મોત થયા હતા. આમ જીરા સોડાની અંદર ઝેરી પદાર્થ આવવાથી તેમના તરત મોત થયાનું પ્રાથમિક તારણ છે.
આના પગલે જે દુકાનેથી જીરા સોડા લાવવામાં આવી હતી તેની પણ તપાસ પોલીસ કરી રહી છે. પોલીસ એફએસએલની ટીમ જોડે રાખીને તપાસ કરી રહી છે. ત્રણ જણા પૈકી બેને જ દારૂની લત હોવાનો ખુલાસો થયો છે. અમે સાક્ષીઓની પૂછપરછ કરી રહ્યા છીએ એમ પોલીસે જણાવ્યું હતું. વરૂણ પરમાર નામનો વ્યક્તિ આ ઘટનાનો સાક્ષી હતો. ત્રણેયે પીણુ પીધુ હોવાનું નિવેદન તેણે આપ્યું છે. એક જ બોટલમાંથી ત્રણેયે પીણુ પીધુ હતુ. પીણુ પીધા પછી સૌથી પહેલા રવિન્દ્રભાઈ બેભાન થયા હતા.
મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ અંગે સિવિલા સુપ્રિટેન્ડેન્ટ ડો. કવિતા શાહે જણાવ્યું હતું કે સિવિલ પહોંચે તે પહેલાં જ એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું હતું. અન્ય બે વ્યક્તિઓને લાસ્ટ કંડિશનમાં લાવવામાં આવ્યા હતા, તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હોવા છતાં પણ તે બચી ન શક્યા હતા. તેમના બ્લડ સેમ્પલ લઈને તપાસાર્થે મોકલી અપાયા છે. તમામ મૃતકોના વિસેરા પણ તપાસાર્થે મોકલી અપાયા છે. રિપોર્ટ આવ્યા પછી મોતનું સાચુ કારણ બહાર આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ ખેડાના નડિયાદમાં ત્રણ વ્યક્તિના શંકાસ્પદ મોત
આ પણ વાંચો: ખેડાના લઠ્ઠાકાંડમાં નીકળ્યું અમદાવાદ કનેકશન
આ પણ વાંચો: બિહારમાં લઠ્ઠાકાંડઃ 14ના મોત, અનેક લોકો હજી પણ ગંભીર, મૃત્યુઆંક વધી શકે
