Ahmedabad News: ભારતીય આધ્યાત્મિક જગત માટે મહત્વના કહી શકાય એવા સમાચાર એ છે કે યુનો એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત હેડક્વાર્ટર્સમા મોરારીબાપુની કથાનું આયોજન થવાનું છે. યુએનઓ આંતરરાષ્ટ્રીય સંગઠન છે, તેમા 193 દેશ સભ્ય છે.
મોરારી બાપુ દેશના પ્રથમ કથાકાર છે જેમને યુએનઓના હેડક્વાર્ટરમાં સત્સંગ કરવાની તક મળી છે. મોરારીબાપુની આ 940મી રામકથા છે. રામકથાકાર મોરારીબાપુની 9 દિવસની રામકથાનું આયોજન 27 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી અમેરિકા સ્થિત યુએનઓ હેડક્વાર્ટરમાં કરવામાં આવ્યું છે. મોરારીબાપુ આ માટે ન્યૂયોર્ક પહોંચી ગયા છે.
આ કથાનું આયોજન એ દર્શાવે છે કે પશ્ચિમી દેશોમાં ભારતીય પરંપરા, સનાતન ધર્મ અને ભારતીય દર્શન પ્રત્યે દુનિયાના દેશોની દૃષ્ટિ ઉદારતાભરી છે. આ કથાની મંજૂરી મળવી એ જ દર્શાવે છે કે દુનિયાના દેશો એમ માની રહ્યા છે કે રામચરિત માનસ ગ્રંથમાં જે લખવામાં આવ્યું છે એનાથી સમાજને, દુનિયાને નવો શાંતિનો પથ મળશે.
યુદ્ધના માહોલ વચ્ચે સત્ય, પ્રેમ, કરુણાનો સંદેશ
યુએનઓ એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આ કથા એ દોરમાં થવા જઈ રહી છે જ્યારે એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે તો બીજી તરફ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. આ લડાઈમાં હજારો લોકો માર્યા ગયા છે. એટલું જ નહીં, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ જેવા દેશ આંતરિક હિંસાનો શિકાર બની રહ્યા છે. એવામાં સત્ય, પ્રેમ અને કરુણાની વાત કરનારા કથાકાર મોરારિબાપુની રામકથા યુએનઓ હેડક્વાર્ટરમાં થવા જઈ રહી છે, જે દુનિયાને રામચરિત માનસમાંથી શાંતિનો સંદેશો પાઠવશે.
આ પણ વાંચો: સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024, રામ-શબરીના મિલન સ્થળ પર બનશે ‘શબરી ધામ’
આ પણ વાંચો: વડોદરામાં 4 વર્ષના બાળકનું મોત, ચાંદીપુરા વાયરસની અસર થયાની આશંકા
આ પણ વાંચો:અંબાજી પોલીસે 9.5 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો